ઇઝરાયલી ડ્રોન સિસ્ટમ થકી સરહદે સુરક્ષા બંદોબસ્ત વધુ ચુસ્ત કરાઈ
લાઇન ઓફ એક્ચ્યુલ ક્ધટ્રોલ(એલએસી) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે અદ્યતન ઇઝરાયલી ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને અરુણાચલ પ્રદેશમાં સરહદી વિસ્તારોની દિવસ -રાત દેખરેખ વધારાઇ છે. ઇઝરાયેલ દ્વારા બનાવેલ હેરોન મધ્યમ-ઉંચાઇ, લાંબી સહનશક્તિ ધરાવતા ડ્રોનની મોટી સંખ્યા પર્વતીય વિસ્તારમાં એલએસી પર ચોવીસ કલાક દેખરેખ રાખી રહી છે તેમજ નિયંત્રણ કેન્દ્રોના નિર્ણાયક ડેટા અને ફોટો મોકલી રહી છે.
સરહદી વિસ્તારમાં વિમાન ઉપરાંત આર્મીની ઉડ્ડયન વિંગ પણ આ વિસ્તારમાં એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર રુદ્રના વેપન સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ વેરિએન્ટને તૈનાત કરી રહી છે. આ પગલાંથી સરહદી વિસ્તારમાં ભારતના વ્યૂહાત્મક મિશનની તાકાતમાં વધારો થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
હેરોન ડ્રોન આ ક્ષેત્રમાં લગભગ ચાર-પાંચ વર્ષ પહેલા તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ હવે ’સેન્સર ટુ શૂટર’ અભિયાન હેઠળ સર્વેલન્સનું સંકલન નોંધપાત્ર રીતે વધારવામાં આવ્યું છે જેથી લશ્કરી દળોને કોઈપણ સંભવિત ઓપરેશનલ ઉદ્દેશ્યો માટે ટૂંકી સૂચના પર નિયુક્ત કરી શકાય છે.
એએલએચ હેલિકોપ્ટરના ડબ્લ્યુએસઆઈ સંસ્કરણની જમાવટથી સેનાને ઉંચાઈવાળા વિસ્તારોમાં વિવિધ મિશન હાથ ધરવાનો વધારાનો ફાયદો પણ મળ્યો છે.
એએલએચ હેલિકોપ્ટરના હથિયારોના પેકેજ વિશે પૂછવામાં આવતા સેનાએ વિગતો જણાવવાનો ઇનકાર કર્યો હતો પરંતુ એટલું જણાવ્યું હતું કે, તે એક શ્રેષ્ઠ અને વિરોધી સામે ખૂબ અસરકારક હથિયાર સાબિત થશે.
એકંદરે દિવસ અને રાતની દેખરેખ ક્ષમતામાં ગયા વર્ષથી મોટા પાયે સુધારો જોવા મળ્યો છે અને આ ક્ષેત્રમાં કોઈ પણ સંજોગોનો સામનો કરવા માટે વધુ સારી સ્થિતિમાં છીએ, તેવું સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું.
હેરોન ડ્રોનની ક્ષમતાઓ વિશે વાત કરતા મેજર કાર્તિક ગર્ગે કહ્યું, જ્યાં સુધી સર્વેલન્સ સંસાધનોની વાત છે ત્યાં સુધી આ સૌથી સુંદર વિમાન છે. શરૂઆતથી આ ડ્રોન સર્વેલન્સની કરોડરજ્જુ સમાન છે. ડ્રોન 30,000 ફૂટ સુધી ઉડી શકે છે અને જમીન પર કમાન્ડરોને ફીડ આપવાનું ચાલુ રાખી શકે છે. આ ડ્રોન 24 થી 30 કલાક સુધીનું બેટરી બેકઅપ ધરાવે છે.