કુલગામ અને અનંતનાગ સહિતના વિસ્તારોમાં આતંકીઓ સામે સેનાનું ઓપરેશન: બે દિવસ પહેલા પુલવામાં જેવો હુમલો નિષ્ફળ કરવામાં સેનાને મળી હતી સફળતા
સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા
કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓના ખાત્મા માટે ગત મહિનો સુરક્ષાદળો માટે ખુબજ એક્ટિવ રહ્યો હતો. મે મહિનામાં અનેક વખત આતંકીઓ સાથે ઘર્ષણ થયું હતું. ભારતીય જવાનો પણ શહિદ થયા હતા. જૂન મહિનાની શરૂઆતથી આતંકીઓ સામેનું અભિયાન વધુ મજબૂત થયું છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આજે કુલગામના અકાલ મલવાન વનબેલ્ટમાં આતંકીઓના અડ્ડા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન ૧૦ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કાશ્મીરમાં આતંકીઓ સામે થયેલી કાર્યવાહીમાં કુલગામ પોલીસ, આરઆર પેરા અને બેટ સીઆરપીએફના જવાનો સામેલ થયા હતા. આતંકીઓ હોવાની બાતમીના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું. એકે-૪૭ સહિતના શસ્ત્રો ઘટના સ્થળેથી મળી આવ્યા હતા. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ પુલવામાં જેવા હુમલાને રોકવામાં સુરક્ષા દળોને સફળતા મળી હતી. વિસ્ફોટકોથી ભરેલા વાહનને સુરક્ષા દળોએ નાશ કર્યો હતો. દરમિયાન રાજોરી-પૂંજ નજીક હિઝબુલના ૧૫ આતંકીઓ હોવાની વાત પણ સામે આવી હતી. આવા સંજોગોમાં ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને લોન્ચપેડ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા હતા. દરમિયાન કાશ્મીરમાં ૧૦ આતંકીઓનો ખાત્મો બોલાવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. અનંતનાગમાં પણ આતંકીઓ અને સેના વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ છે.