સીઆરપીએફના ઓફિસર સહિત બે ઘવાયા
શ્રીનગરના ફીરદોશબાદ વિસ્તારમાં મળેલી ચોકકસ બાતમીના આધારે ભારતીય જવાનોએ હાથ ધરેલા શોધ અભિયાન વખતે ત્રાસવાદીઓએ જવાનો પર ગોળીબાર કરતા સામસામો ગોળીબાર થયો હતો. જેવા સેનાના જવાનોએ ત્રણેય ત્રાસવાદીઓને ઢેર કરી દીધા હતા. આ અથડામણમાં એક મહિલાનું પણ મોત નિપજયું હતું અને સીઆરપીએફના બે જવાનો ઘવાયા હતા.
આ અંગે લશ્કરી સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારતીય સેનાને શ્રીનગરના ફીરદોશબાદ વિસ્તારમાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સૈન્યએ વિસ્તારને ઘેરી લઈ ત્રાસવાદીઓને શોધવા વહેલી સવારે અઢી વાગ્યા આસપાસ અભિયાન હાથ ધર્યું હતું જોકે આ દરમિયાન ત્રાસવાદીઓએ જવાનો પર આડેધડ ગોળીબાર કરતા પોલીસે વળતો જવાબ આપી ત્રણેય આતંકીઓને ઢાળી દીધા હતા.
આ આતંકીઓની ઓળખ હજુ મળી નથી પણ બારામુલા વિસ્તારમાં આ અથડામણમાં એક મહિલા કૌસર રિયાઝનું મોત થયું હતું.
સીઆરપીએફના એક ઓફિસર સહિત બે જવાનો ઘવાયા હતા તેમ સેનાના અધિકૃત વર્તુળોએ જણાવ્યું હતું. ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે અને સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે તેમ લશ્કરી સુત્રોએ ટવીટ કરી જણાવ્યું હતું.