આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા વિસ્તાર ઘેરી લેવાયો: બંને તરફથી ગોળીબાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.  આ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયાંના દ્રાચમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષાદળોને આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જે બાદ વિસ્તારને ઘેરી લેવાયો હતો. તેવા સમયમાં આતંકીઓ તરફથી ગોળીબાર શરૂ કરી દેવાયો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો અને ત્રણ આતંકીઓને નિશાન બનાવ્યા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના દ્રાચ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું.  કાશ્મીરના એડિજીપી વિજય કુમારે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ હનાન બિન યાકુબ અને જમશેદ તાજેતરમાં જ 2 ઓક્ટોબરે પુલવામાના પિંગલાનામાં એસપીઓ જાવેદ ડારની હત્યામાં સામેલ હતા.  આ સાથે આ બંને 24 સપ્ટેમ્બરે પુલવામામાં પશ્ચિમ બંગાળના એક બહારના મજૂરની હત્યામાં પણ સામેલ હતા. એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે સંદિગ્ધ સ્થળની ઘેરાબંધી કરી કે તરત જ ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. અમિત શાહ શ્રીનગર પહોંચ્યાના થોડા કલાકો બાદ આ એન્કાઉન્ટર થયું હતું. આ પહેલા તેમણે રાજૌરીમાં જનસભાને સંબોધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.