મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રની બાતમી મળ્યા બાદ પઠાણકોટથી જમ્મુ સુધીના હાઈ એલર્ટ વચ્ચે સેનાની કાર્યવાહી
પઠાણકોટથી જમ્મુ સુધી સેના હાઈ એલર્ટ મોડમાં છે તે દરમિયાન કૂપવાડામાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન આ આતંકી મળી આવ્યા હતા જે બદલ સેનાએ કાર્યવાહી કર્યાનું જાણવા મળ્યું છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પિચનાડ માછિલ વિસ્તાર પાસે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. બીજી તરફ કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રની બાતમી મળ્યા બાદ પઠાણકોટથી જમ્મુ સુધી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વિસ્તારની તમામ આર્મી શાળાઓને બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સેના અને કુપવાડા પોલીસ કામ કરી રહી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
પાકિસ્તાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરી અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઈનપુટ સુરક્ષા એજન્સીઓને હાથ લાગ્યા છે. ત્યારબાદ પઠાણકોટથી જમ્મુ સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરક્ષા દળો માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હીરાનગર સેક્ટરની બરાબર સામે આઈએસઆઈ અને પાકિસ્તાની એજન્સીઓ ફરી એકવાર ભારતીય સરહદમાં આતંક ફેલાવવાની યોજના પર કામ કરી રહી છે. આતંકવાદી લોન્ચપેડ શકરગઢમાં શંકાસ્પદ લોકોની હાજરી અને તેમની નાપાક યોજનાઓને જોતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.