આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની નોટો અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો : સર્ચ ઓપરેશન હજુ ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદ એલઓસીની નજીક આવેલા કુપવાડા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓના આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
સુત્રો પરથી મળતી માહિતીના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે કુપવાડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન એલઓસીના જુમાગુંડ વિસ્તારમા થયું હોવાનું સામે આવ્યું છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની નોટો અને મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.
આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે સવારે આતંકવાદીઓના છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પોતાને ઘેરાયેલા જોઈને આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં પાંચ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ગુરુવારે સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અહીં એલઓસી પાસે સેના દ્વારા મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સર્ચ ઓપરેશન દરમિયાન સ્ટીલ કોર કારતુસ અને પાકિસ્તાની બનાવટની દવાઓ મળી આવી છે.