જમ્મુ – કાશ્મીરના કુલગામ જિલ્લાના નવાપોરાના મીર બજારમાં સેનાએ પાર પાડ્યું ઓપરેશન
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના નવાપોરાના મીર બજારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું, જે જગ્યાએ એન્કાઉન્ટર થયુ તે અમરનાથ યાત્રાની એકદમ નજીક છે. માર્યા ગયેલા બંને આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના સભ્યો હતા અને સ્થાનિક હતા.
સુરક્ષા દળોએ બાંદીપોરાના નદીહાલ વિસ્તારમાં અન્ય એક ઓપરેશનમાં લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે. આ પછી સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઠેકાણાને નષ્ટ કર્યા, જેના ડ્રોન ફૂટેજ પણ સામે આવ્યા છે.
27 જૂને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશનમાં એક આતંકવાદીની ધરપકડ કરી હતી. આતંકીની ઓળખ કોટી ડોડા વિસ્તારના રહેવાસી ફરીદ અહેમદ તરીકે થઈ છે. સુરક્ષા દળોએ ફરીદના કબજામાંથી એક ચાઈનીઝ પિસ્તોલ, બે મેગેઝીન, 14 જીવતા કારતૂસ અને એક ફોન પણ જપ્ત કર્યો છે. આતંકવાદી ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેનું નિશાન એક પોલીસકર્મી હતો. થોડા દિવસો પહેલા સોપોર જિલ્લાના તુલીબલ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા આતંકી સંગઠન લશ્કર અને જૈશના 7 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં, ટીમને વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાના ઈનપુટ મળ્યા, જેના પર સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી સુરક્ષા જવાનોએ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 7 આતંકીઓને ઠાર કર્યા હતા.