આતંકવાદીઓ સરહદ પારથી આવતા જશે અને અમે તેમને જમીનની અંદર અઢી ફૂટ દફનાવતા જશુ: આર્મી ચીફ જનરલ રાવત
આતંકવાદના મુદ્દે ભારતીય આર્મી ચિફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને ચેતવણી આપી છે અને જરૂર પડયે પાકને ફરી પાઠ ભણાવવાની તૈયારી તેમણે દર્શાવી છે. સર્જીકલ સ્ટ્રાઈક સહિતના આકરા પગલા લેવા આર્મી ચિફ રાવતે ચેતવણી આપી છે.
છેલ્લા ઘણા સમયથી એલઓસી નજીક પાકિસ્તાન આતંકીઓને ઉછેરી રહ્યું છે. એક વર્ષ પહેલા ભારતીય સૈન્યએ સરહદમાં ઘુસી આતંકવાદીઓનો સફાયો કર્યો હતો. આવા જ પગલા ફરીથી ભરવા પડશે તો ભારતીય સૈન્ય તૈયાર હોવાનું આર્મી ચિફનું કહેવું છે. તેમણે આ મુદ્દે જણાવ્યું હતું કે, સર્જીકલ સ્ટ્રાઈક આતંક વિરોધી મજબૂત મેસેજ હતો. જેનાથી તેઓ સમજી ગયા છે છતાં પણ તેઓ બદલવાનો પ્રયાસ નહીં કરે તો ફરીથી આ પ્રકારનું ઓપરેશન પાર પાડવું પડશે.
તેમણે ઉમેર્યું હતું કે, આવા પગલા લેવામાં ભારત તાકાતવર દેશ છે. દેશની સુરક્ષા માટે કોઈપણ હદે જરૂર પડયે પગલા લઈ શકાય. ઘુસણખોરીના મુદ્દે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનનું સૈન્ય અને આઈએસઆઈએસ મળીને એલઓસીમાંથી આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કરે છે. અમે તૈયાર છીએ સરહદ પારથી આતંકવાદી આવતા જશે અને અમે ત્યાં તેના સ્વાગત માટે બેઠા છીએ. અમે તેમને જમીનની અઢી ફૂટ અંદર મોકલી દઈશું. ભારતીય સૈન્ય વિશ્ર્વના કોઈપણ ખુણે ઓપરેશન પાર પાડવા સક્ષમ છે.