પાકિસ્તાનમાં ‘અંધાધૂંધી’ ચરમસીમાએ…

પાકિસ્તાનની લોકશાહી બે સમાંતર સરકારો વચ્ચે ફસાઈ ચૂકી હોવાનો પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો ચોંકાવનારો એકરાર

સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી આ કહેવત જાણે કે, પાકિસ્તાન માટે યથાર્થ અને અશક્ય એમ બન્ને રીતે કહી શકાય. કારણ કે, પાકિસ્તાનમાં ક્યારેય રાજકીય સ્થિરતા, સામાજીક શાંતિ અને સૈન્ય અને લોકતાંત્રીક વ્યવસ્થા વચ્ચે ક્યારેય મનમેળ રહેતો જ નથી. બીજી રીતે જોઈએ તો કોઈ રાજકીય વ્યક્તિ, પક્ષ કે, વિચારધારાનો પ્રભાવ ક્યારેય કાયમ રહેતો નથી. કોઈ એક લશ્કરી ઓફિસરની ધાક હોય કે, લોકતાંત્રીક નેતાનો પ્રભાવ પાકિસ્તાનમાં દરેક વસ્તુ અસ્થિર અને ‘ચાર દિન કી ચાંદની’ જેવી રહે છે. બાળોતીયાથી દાઝેલુ પાકિસ્તાન લોકતાંત્રીક રાજકીય વ્યવસ્થામાં ક્યારેય બે પાંચ વર્ષ સુધી સળંગ ઠરીઠામ થયું જ નથી.

પાકિસ્તાનનો ઉદય ભારતથી એક દિવસ પહેલા ૧૪ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે થયો ત્યારથી લઈ આજ સુધી પાકિસ્તાનની પોતાની જ નકારાત્મક રાજદ્વારી નીતિએ ક્યારેય બે પાંદડે થવા દીધું નથી. આઝાદીના પ્રારંભીક કાળમાં પાકિસ્તાનના મુળ સ્થાનિક સિંધી, પંજાબી, બલોચ અને કબીલામાં છુટા છવાયા વસતા લોકો વચ્ચે ભારતના હિઝરતી મુસ્લિમો વચ્ચે ઉભા થયેલા વૈમન્સ્યથી સ્થાનિક લોકો અને મુહાજીરો વચ્ચે વર્ષો સુધી સામાજીક સંઘર્ષ ચાલ્યો. ત્યારપછી સિંધ, પંજાબ અને ગેરમુલ્કી સરહદીય વિસ્તારોની આંતરીક પ્રાંતવાદની આગથી છેલ્લે પાકિસ્તાન અને બંગાળના ભાગલા પડ્યા. પાકિસ્તાન આજે પણ અનેક ટૂકડાઓમાં વિભાજીત થાય તેવી પરિસ્થિતિ વચ્ચે પિસાઈ રહ્યું છે.

પાકિસ્તાનના ઉદામવાદી નેતા ફઝલુર રહેમાનની આગેવાનીમાં દેશના તમામ વિપક્ષોએ એક જુટ થઈને ઈમરાન ખાન સરકારને ઉથલાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજી તરફ સરકાર પોતાની સરકાર ટકાવી રાખવા માટે આડેધડ સત્તાનો દૂરઉપયોગ કરતી હોવાના માહોલે બળતામાં ઘી હોમ્યુ હોય તેમ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ધડાકો કરીને પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિત્ર સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, સરેરાશ પાકિસ્તાનમાં સમાંતર બે સરકારોના હાથમાં દેશનું સંચાલન આવી પડ્યું છે. જો કે તેમણે આ બે સમાંતર સરકારોની સ્પષ્ટ વ્યાખ્યા કરી ન હતી પરંતુ તેમણે જણાવ્યું કે, સરેરાશ રાજ ઉપર રાજની પરિસ્થિતિ દેશમાં પ્રવર્તી રહી છે અને તે ભારે વ્યગ્ર અફરા-તફરી અને અસમંજસની સ્થિતિ ઉભી કરી રહી છે જે દેશ અને પ્રજાના હિતમાં નથી.

મંગળવારે નવાઝ શરીફના લંડન સ્થિત રહેતા પુત્ર હુસેન નવાઝે પત્રકાર સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી કે, હું જે લાંબા સમયથી કહેતો આવ્યું છું તે જ ઘટનાક્રમ કરાંચીમાં થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં અંધાધૂંધી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગીને ભૂક્કો થઈ ગઈ હોય તે માટે પુરાવા આપવાની જરૂર નથી. હું ક્યારેય પુરાવા વગર વાત કરતો નથી. હું જે કહું તે મારા અનુભવ અને સત્ય આધારીત જ હોય છે. તેમણે નવાઝ શરીફના જમાઈ કેપ્ટન સફદર અવામને કરાંચીની ફાઈવ સ્ટાર હોટલમાં સોમવારે નજરકેદ કરી દીધાની ઘટનાએ અને આવી રીતે રાજદ્વારી ઈસારે પાકિસ્તાનમાં ધરપકડોનો દૌર ચલાવનાર સરકાર સામે નવાઝ શરીફના પુત્રએ આક્ષેપ કર્યા છે.

સફદર અવામને ધરપકડ સભ્ય સમાજમાં ક્યારેય સ્વિકૃત ન ગણાય, દરેક લોકો પાકિસ્તાનની હાલતની હકીકત જાણે છે, આ લોકો લોકતંત્રને ખત્મ કરવા મથી રહ્યાં છે. લોકતાંત્રિક વ્યવસ્થાને ખત્મ કરવા તરફ જઈ રહેલું પાકિસ્તાનના ભવિષ્ય હવે તો કુદરતના હાથમાં જ છે તેમ નવાઝ શરીફે જણાવ્યું હતું. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લંડનમાં ઈલાજ માટે રોકાયા છે. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે હવે ચિંતા કરવા જેવી છે, દિવસે દિવસે તેની હાલત બગડી રહી છે. જો કે, નવાઝ શરીફે સિંધ પોલીસની હિંમતની સરાહના કરીને ગેરકાયદેસર પ્રવૃતિ અને અમાનવીય રીતે કરવામાં આવતા સૈન્યના દૂરવ્યવહારનો સામનો કરનાર સિંધ પોલીસ ખરેખર સજ્જન રીતે પોતાની ફરજ બજાવે છે. સફદર અવાનની ધરપકડ લોકતંત્રનું સરેઆમ ઉલ્લંઘન અને સમાજમાં ક્યારેય સ્વિકૃત નહીં થાય. ઘરના દરવાજા અને તાળા તોડી, ઘરમાં  ઘુસી જ્યાં મહિલા સુતી હોય ત્યાં પ્રવેશીને જે આતંક મચાવ્યો છે તે સંપૂર્ણપણે ગેરબંધારણીય હોવાનું તમામ લોકો જાણે છે. નવાઝ શરીફને પોતાના લક્ષ્ય વિશે પુછતા તેઓએ જણાવ્યું હતું કે, મને દેશની ફિકર છે, મને મારી ચિંતા નથી, સત્ય કહેતા મને કોઈ રોકી નહીં શકે, સત્ય ઉજાગર કરવું તે મારો ધર્મ છે અને હું તે પ્રકાશિત કરતો રહીશ.

સિંધની પરિસ્થિતિ અંગે પૂર્વ વડાપ્રધાને જણાવ્યું હતું કે, ત્યાં પરિસ્થિતિ ખુબજ ખરાબ અને કાબુ બહાર છે. પોલીસ કર્મચારીઓ પોતાની કામગીરી છોડીને નિરાશ થઈ રહ્યાં છે. સમગ્ર પ્રાંતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. પાકિસ્તાન ટીવી ચેનલ અને અખબારો નવાઝ શરીફ સાથેની વાતચીતના પ્રસારણમાં પણ ભેદભાવ રાખે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીના અપહરણને પગલે સૈન્ય અને પોલીસ વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. આઈજી મુસ્તાક અહેમદ મહારને સિંધમાંથી અપહૃત કરી લેવામાં આવ્યા અને વિપક્ષી નેતા સફદર અવામ મુસ્તફા, નવાઝ ખોખર, બિલાવલ ભુટ્ટો સહિતના નેતાઓને ઈમરાન ખાન સરકારે લોક સુરક્ષા ધારા હેઠળ ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. ૧૯૪૭થી પાકિસ્તાનની સેના રાજદ્વારી ગતિવિધિઓમાં મહત્વનું યોગદાન આપે છે. પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ મહમદ અલી ઝીન્નાના મઝાર ઉપર થઈને સિંધ હાઈકોર્ટમાં જામીન માટે જતાં સફદર અવામને પોલીસે ઝડપી લીધા હતા.

વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીને સંસદમાં ૪૬ ટકા જેટલી બેઠકોનો પ્રભાવ રહેશે. ગયા મહિને થયેલા એક સર્વેમાં પાકિસ્તાનની સરકાર સામે લોકોમાં ભારે નારાજગી છે. તેને લઈને સરકારે પોતાની હોડી તરતી રાખવા માટે હવે જે રીતે બળ પ્રયોગ શરૂ કર્યો છે તેને લઈને પાકિસ્તાનની પરિસ્થિતિ ખુબજ કટોકટીભરી બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.