અમદાવાદથી ગાંધીધામ જતા આર્મીમેનનો રાઇફલ સાથેનો થેલો ચોરાતા રાજયભરની પોલીસને કરાઇ એલર્ટ
અમદાવાદથી ગાંધીધામ જઇ રહેલી સયાજી એકસ્પ્રેસ ટ્રેનમાંથી આર્મીમેનની એકે ૪૭ રાઇફલ સાથેના થેલાની ચોરી થતા રાજયભરની પોલીસને એલર્ટ કરવામાં આવી છે. પોલીસની દોડધામ વધી જતા અને તપાસનો ધમધમાટ શરૂ કરતા તસ્કરોએ રાઇફલ સાથેનો થેલો રેઢો મુકી ભાગી જતા પોલીસે રાઇફલ કબ્જે કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પંજાબના અમૃતસરના વતની અને ભુજ આર્મી કેમ્પમાં બટાલીયન લાંસ નાયક તરીકે ફરજ બજાવતા રણજીતસિંગ સુખવિંદરસિંગ નામના ૩૬ વર્ષના જવાને પોતાની એકે ૪૭ રાઇફલ સાથેનો થેલો અમદાવાદથી ગાંધીધામ સયાજી એકસ્પ્રેસ ટેનમાં આવી રહ્યા હતા ત્યારે ચોરાયાની ગાંધીધામ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આર્મીમેન રણજીતસિંગ સવારે સવા છ વાગે ગાંધીધામ પહોચ્યા તે દરમિયાન મેગ્જીન સાથેની એકે ૪૭ રાઇફલ, મોબાઇલ, એટીએમ કાર્ડ, આર્મી કેન્ટીન કાર્ડ, આર્મીના બે જોડી ડ્રેસ સાથેનો થેલો ચોરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.
આર્મીમેનની એકે ૪૭ રાઇફલની ચોરી થયાની જાણ થતા રાજયભરની પોલીસને રાઇફલ ચોરી અંગેની જાણ કરવામાં આવી હતી તે દરમિયાન રાઇફલ સાથેનો થેલો ગાંધીધામ રેલવે પોલીસને મળી આવ્યો હોવાનું જાણવા મળે છે.