• રાજકોટ અને સુરેન્દ્રનગર ચાર સહીત કુલ છ શખ્સોને ઉઠાવી લેતી એટીએસ

લોકસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાય કરવાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસની ટીમે કુલ 25 પિસ્તોલ અને 90 કાર્ટિસ સાથે રાજકોટના બે, સુરેન્દ્રનગરના બે સહિત કુલ છ હથિયારના સોદાગરોને ઝડપી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે દરમિયાન હથિયાર સપ્લાયના મોટા નેટવર્કનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાત એટીએસની ટીમે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરીને છ જેટલાં હથિયારના સોદાગરોને ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગત અનુસાર એટીએસની ટીમને મધ્યપ્રદેશથી હથિયારનો મોટો જથ્થો લાવીને સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો હોય તેવી બાતમી મળતાની સાથે જ એટીએસએ વોચ ગોઠવી આખુ રેકેટ ઝડપી પાડ્યું છે.

એટીએસ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર મધ્યપ્રદેશના જાંબુઆનો શિવમ નામનો શખ્સ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પિસ્ટલ અને કારતુસનો જથ્થો રાખી તા. 25 એપ્રિલના રોજ બપોરે ચાર વાગ્યાં આસપાસ અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ છેડે ફૂટપાથ ઉપર આવીને ચોટીલાના મનોજ ચૌહાણને ડિલિવરી આપવા આવવાનો હોય તેવી સચોટ બાતમી એટીએસના ડીવાયએસપી હિમાંશુ ઉપાધ્યાયને મળી હતી.

બાતમીના આધારે એટીએસના પીએસઆઈ વી આર જાડેજા અને વી એન ભરવાડની ટીમો બાતમીવાળી જગ્યાએ વોચમાં હાજર હતા. દરમિયાન બે શકમંદ ઈસમો મળી આવતા ફિલ્મી ઢબે બંને શખ્સોને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યા હતા. શિવમ ઉર્ફે શિવા ઇંદરસીંગ ડામોર પાસે રહેલા થેલાની જડતી કરતા તેમાંથી 5 પિસ્ટલ અને 20 કાર્ટિસ મળી આવી હતી.

બંને શખ્સોની આગવી ઢબે પૂછપરછ કરતા ભાંગી પડેલા શખ્સોએ કબૂલાત આપી હતી કે, શિવમ ડામોર છેલ્લા એકાદ વર્ષથી વિવિધ ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મધ્યપ્રદેશથી જામખંભાળિયા દર ત્રીજા ચોથા દિવસે આવન-જાવન કરતો હોય દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓના અલગ અલગ માણસોનો સંપર્ક થતાં હથિયાર લેવા ઈચ્છુકોને હથિયાર લાવી આપશે તેવી ખાતરી આપી મધ્યપ્રદેશથી હથિયાર લાવી કમિશનથી હથિયારનો વેપલો કરતો હતો.

છેલ્લા ત્રણેક માસથી હથિયાર સપ્લાય કરતો હોય તેવી હકીકત જણાવ્યા બાદ એટીએસની વિવિધ ટિમોએ અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાંથી 20થી વધુ પિસ્ટલ તથા 70 કાર્ટિસ સાથે અન્ય ચાર ઈસમોની ધરપકડ કરી છે.

હથિયાર સપ્લાયના રેકેટમાં ઝડપાયેલા સોદાગરો

હથિયાર સપ્લાયના રેકેટમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના ભોજકા ગામનો વતની શિવમ ઉર્ફે શિવા ઇંદરસીંગ ડામોર(ઉ.વ.26) મુખ્ય સૂત્રધાર છે. આ ઉપરાંત પ્રવીણ ધર્મેન્દ્ર શ્રીવાસ (ઉ.વ.23) રહે પીસી સીટીનગર, ઇન્દોર, મધ્યપ્રદેશ, રાજકોટ મના લોઠડાં ગામે રહેતો સંજય દુદાભાઈ મેર(ઉ.વ.23), રાજકોટના કોઠી કમ્પાઉન્ડ, જામટાવર ચોકમાં રહેતા રાજુ જ્યંતિભાઈ સરવૈયા, સુરેન્દ્રનગરના મુળી તાલુકાના વગડીયા ગામનો વિપુલ વેલાભાઈ સાનિયા(ઉ.વ. 30) અને ચોટીલાનો મનોજ ગીરીશભાઈ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યા છે.

કોની પાસેથી કેટલા હથિયાર ઝડપાયા?

મુખ્ય સૂત્રધાર શિવમ ઇંદરસીંગ ડામોર પાસેથી 5 પિસ્ટલ અને 20 કાર્ટિસ, પ્રવીણ ધર્મેન્દ્ર શ્રીવાસ પાસેથી 3 પિસ્ટલ, સંજય દુદા મેર પાસેથી 4 પિસ્ટલ અને 10 કાર્ટિસ, રાજુ જયંતિ સરવૈયા પાસેથી 3 હથિયાર, વિપુલ વેલા સાનિયા પાસેથી 6 હથિયાર અને 60 કાર્ટિસ, મનોજ ગીરીશભાઈ ચૌહાણ પાસેથી 4 પિસ્ટલનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.