તલવાર-ધોકા-પાઇપ ઉડતા ચાર મહિલા સહિત એક ડઝન ઘાયલ: સામ-સામે નોંધતી ફરિયાદ
અબતક-રાજકોટ
રાજ્યભરમાં ચાલતી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ પગલે મેંદરડા તાલુકાના કેનડીપુર ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા ભારે તંગદિલી છવાઈ હતી.
જેમાં સામ-સામે મારામારીમાં ચાર મહિલા સહિત કુલ 12 લોકો ઘવાયા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કેનડીપુર ગામે રહેતા મુક્તાબેન મનસુખભાઇ મકવાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉભા હતા. જેમાં હાર થતા સામા પક્ષે રાવત કાઠી, ભભલું લાલુ સહિતના લોકોએ મુક્તાબેનની પુત્રીની છેડતી કરી તમે જીતવાને લાયક ન હતા તેવી પજવણી કરી સાત થી આઠ શખ્સોને તલવાર, ધોકા અને પાઇપ વડે હુમલો કરતા મુક્તાબેન અને અશોકભાઈ કાળાભાઈ શીંગાળા સહિત ચાર થી પાંચ લોકો ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેમાં અશોકભાઈ શીંગાળાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે સામા પક્ષે ભભલુંભાઈ જીતુભાઇ લાલુએ નોંધાયેલી ફરિયાદ મુજબ મુક્તાબેન મકવાણા ચૂંટણીમાં ઉભા હોય અને ભભલુંભાઈ સહિતના લોકોએ મુક્તાબેનના પક્ષને ટેકો ન દેતા તેનો ખાર રાખી ટોળાએ તલવાર અને ધોકા વડે હુમલો કરતા ભભલુંભાઈ, રાવત કાઠી અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકો ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ મેંદરડા ગામના પોલીસ મથકનો કાફલો તુરંત દોડી ગયો હતો. જ્યાં સામ-સામે પક્ષે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે. નાના એવા ગામમાં ચૂંટણી બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા ગામમાં તંગદિલી છવાઈ છે.