બર્થડે કેક કાપતી વખતે વૃધ્ધે દેકારો કરવાની ના પાડી હોઇ મનદુ:ખ સર્જાયું હતું : શુક્રવારે ફરી માથાકૂટ થતા એકા બીજા પર ધોકા-છરી-પાઇપથી હુમલો અને પથ્થરમારો કર્યો : સામ-સામી ફરિયાદ પરથી ૨૦ શખ્સો સામે ગુનો નોંધાયો
શહેરના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમા બે દિવસ પહેલા થયેલી માથાકૂટનો ખાર રાખી મોડી રાત્રે બે જુથ વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં અને એક બીજા પર પથ્થરમારો શરૂ થઇ જતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બંને જુથના ડખ્ખામાં મહિલા સહીત ૬ લોકોને ઇજા થતાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં માલવીયાનગર પોલીસે દોડી જઇ સ્થિતિને લીધા બાદ સામ-સામે ૨૦ જેટલા લોકો સામે બે ગુના દાખલ કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોડી રાતે આંબેડકરનગરમાં ધમાલ મચી જતાં પોલીસની ગાડીઓ દોડાવાઇ હતી. ધબધબાટીમાં ઘવાયેલા આંબેડકરનગર-૫ના મીનાબેન શૈલેષભાઇ રાખશીયા (વણકર) (ઉ.વ.૨૪) તથા તેના બે ભાઇઓ સાગર ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૩૦) તથા હિરેન ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૩) સિવિલમાં દાખલ થયા હતાં. જ્યારે સામા પક્ષે આંબેડકરનગર-૧૩ ફોર્ચ્યુન હોટેલ સામે રહેતાં શૈલેષ મછાભાઇ રાતડીયા (ભરવાડ) (ઉ.વ.૨૬) તથા દેવા હમીરભાઇ ચિરોડીયા (ઉ.વ.૨૮) અને મયાભાઇ ચનાભાઇ ચિરોડીયા (ઉ.વ.૪૫)ને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતાં.
માલવીયાનગર પોલીસે હિરેન ગોવિદ પરમાર (ઉ.વ ૨૩ )ની ફરિયાદ પરથી મુન્ના મછાભાઇ ભરવાડ, મછાભાઇ ભરવાડ, શૈલેષ મછાભાઇ, પુંજીબેન મછાભાઇ, માંડાભાઇ, કાનો, મમૈયા માંડાભા અને સાત અજાણ્યા વિરૂધ્ધ આઇપીસી ૩૨૬, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. હિરેન પરમારના કહેવા મુજબ તેના ભાઇ સાગર પરમારનો બુધવારે જન્મદિવસ હોઇ બધા મિત્રો ઘર નજીક કેક કાપી ઉજવણી કરતાં હતાં તે વખતે એક ભરવાડ વૃધ્ધે દેકારો નહિ કરવા કહેતાં સામાન્ય ચડભડ થઇ હતી. આ બાબતનો ખાર રાખી ગત રાતે મછાભાઇ, મુન્નો સહિતના ટોળકી રચી ધોકા-તલવાર જેવા હથીયારો ધારણ કરી ધસી આવ્યા હતાં અને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી હુમલો કર્યો હતો. જેમાં પોતાને, ભાઇ સાગરને અને છોડાવવા આવેલી બહેન મીનાબેનને ઇજા થઇ હતી.સામા પક્ષે આંબેડકરનગરમાં રહેતાં પશુપાલનનો ધંધો કરતાં શૈલેષ મસાભાઇ રાતડીયા(ઉ.વ ૨૬ )ની ફરિયાદ પરથી સાગર ગોવિંદભાઇ પરમાર, હિરેન ગોવિંદભાઇ પરમાર, રસિક બચુભાઇ રાઠોડ, પાર્થ ચતુરભાઇ ગોહેલ, રાહુલ જયંતિભાઇ મકવાણા અને સંજય ખીમસુરીયા તથા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૨૬, ૩૩૭, ૩૩૨૫, ૩૨૪, ૫૦૬ (૨), ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
શૈલેષના કહેવા મુજબ ત્રણ દિવસ પહેલા સામેના જુથના સાગરનો જન્મદિવસ હોઇ ત્યારે અમારા સમાજના લોકોએ દેકારો કરવાની ના પાડતાં બોલચાલી થઇ હોઇ ખારર ખી રાતે ગેરકાયદે મંડળી રચી લાકડાના ધોકા, છરીઓ ધારણ કરી હુમલો કરાયો હતો. તેમજ ગાળો દઇ મારી નાંખવાની ધમકી દઇ પથ્થરમારો પણ કરાયો હતો.માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, મશરીભાઇ ભેટારીયા, ભાવીનભાઇ ગઢવી, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ સહિતના સ્ટાફે રાતે ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેર્યા હતાં અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.