તૌકતે વાવાઝોડાના કારણે દરિયાઇ પટ્ટીના તમામ બોટને પરત બોલાવી લીધી હતી. ઉનાના નવાબંદરે બોટના મુદે બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા નાસભાગ સાથે તંગદીલી સર્જાતા જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ નવાબંદરે દોડી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા સામસામે થતા પથ્થરમારાના કારણે જિલ્લા પોલીસ વડા, એસીપી, પી.એસ.આઇ અને કોન્સ્ટેબલ સહિતના પોલીસ સ્ટાફ ઘવાયા હતા.
અથડામણમાં ઇજાગ્રસ્ત 14ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. બેકાબુ ટોળા પર અંકુશ મેળવવા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરી ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેરી નાખ્યું છે. સમગ્ર જિલ્લાના પોલીસ સ્ટાફનો નવા બંદર ખાતે બોલાવી કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉના તાલુકામાં વાવાઝોડાની પરિસ્થિતિ હજુ થાળે પડી નથી ત્યારે નવાબંદરમાં જૂથઅથડામણની ઘટના બનતા તંત્ર દોડતું થઇ ગયું હતું. બનાવની મળતી વિગત મુજબ નવાબંદરનાં દરિયા કિનારે બોટ પડી છે.
વાવાઝોડામાં બોટને ભારે નુકસાન પણ થયું છે. રવિવાર બપોરનાં બે વાગ્યાની આસપાસ બોટ રાખવા મુદે સામાન્ય બોલાચાલી થઇ હતી. સામાન્ય બોલાચાલીએ બાદ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું. બે જુથ મોટી સંખ્યામાં આમને સામને આવી ગયા હતાં અને એક બીજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ ડીજીપી પણ ઊના તાલુકામાં હોય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
તોફાને ચડેલા ટોળાએ પોલીસને પણ નીશાન બનાવી હતી. તેના ઉપર પણ હુમલો કરી દીધો હતો. જેમાં એએસપી ઓમપ્રકાશ જાટ, પીએસઆઇ એચ.વી.ચુડાસમા, રાજુભાઇ ગઢવી, પ્રકાશભાઇ ચાવડાને ઇજા પહોંચી હતી. એસપી રાહુલ ત્રિપાઠીનાં પગમાં પથ્થર લાગ્યો હતો.
બીજી તરફ તોફાને ચડેલા ટોળાને કાબુમાં લેવા પોલીસે હવામાં ફાયરીંગ કરવાની ફરજ પડી હતી, તેમજ ટોળાને કાબુમાં લેવા ટીયર ગેસ છોડવામાં આવ્યાં હતાં. ટોળાએ નવાબંદરમાં બે કલાક સુધી ઉત્તપાત મચાવ્યો હતો. આ જુથ અથડામણમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હતાં.
ઘાયલ લોકોને સારવાર માટે ઊના ખસેડવામાં આવ્યાં હતાં. ઘટના બાદ ગીરગઢડા, કોડીનાર, તાલાલાથી પોલીસ બોલાવી લેવામાં આવી હતી. નવાબંદરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, તેમજ પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
ટોળાએ અગાસી પરથી પથ્થર ફેક્યાં ઘટનાનાં પગલે ટોળાનાં લોકો મકાનની અગાસી પર ચડી ગયા હતાં અને અગાસી ઉપરથી પથ્થર માર્યો કર્યો હતો. જેમાં પોલીસ અને અન્ય લોકોને માથામાં ઇજા પહોંચી હતી.
ઘાયલ લોકોનાં નામ ભીખુભાઈ બાંભણીયા, જીવરાજભાઈ વાજા, ભીખુભાઈ સોલંકી, સોયબ સુલેમાન બેરાઈ, જાવિદ ઇસ્માઇલ સફલા, સાદિક હાજી સફલા, કાસમ અયુબ સોઢા, સાબિર અબ્દ્રેરહેમાન, અલ્તાફ અલિયાશ ચોહાણ, ઇનદ્રીશ ઇનું સોઢા, ગફાર ઈશા ચોહાણ, સમીર ચોહાણ, સોયબ શેખ, વિનોદભાઈ નાથાભાઇ સોલંકી.