- માલીયાસણ ગામે માટી ખનનનો ડખ્ખો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યો
- ફિલ્મી ઢબે કાર લઈને ધસી આવેલા 20 જેટલાં શખ્સોએ ધોકા-પાઇપ વડે હુમલો કરતા નાસભાગ મચી
રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ ખાતે કારના કાફલા સાથે ટોળું આવ્યું હતું અને 20થી વધુ વ્યક્તિઓ દ્વારા સામસામે મારામારી થઇ હતી. ઘટનામાં 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. કારના કાફલા સાથે ટોળું આવ્યું. 20થી વધુ વ્યક્તિઓ દ્વારા મારામારી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સામસામા મારામારીમાં પાંચથી વધુને ઈજા થઈ છે. માલીયાસણ નજીક ગૌચરની જમીનમાંથી માટી ખનન મામલે મારામારી થઈ હતી. ખનન બાબતે માથાકૂટ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સોખડા રોડ નિરાંતનગર શેરી નં. 2, સાત હનુમાન નજીક રહેતા વિરમભાઈ મુમાભાઈ ગોલતર નામના વ્યક્તિએ ચોટીલા તાલુકાના સાપર ગામે રહેતા રણછોડ સરૈયા, ગબરુ સરૈયા, મોટા સરૈયા અને રાજકોટના માલીયાસણ ગામે રહેતા વાલા સરૈયા,વિજય સરૈયા,દિનેશ સરૈયા,નિલેશ ખડા અને કિશન મુંધવાએ અગાઉની મારા મારીનો ખાર રાખી રાજકોટ સિવિલ હોસ્પિટલના એકક્ષ રૂમ નજીક માર માર્યાની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર,ફરિયાદી રણછોડભાઈ સાથે અગાઉ માલિયાસણ ગામ નજીક રોડ ઉપર માટી નાખવાનું કામ ચાલુ હોય,તેમાં આરોપી તથા ફરિયાદીને માટી ખનન બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો,જેમાં ફરિયાદીના સગા નવઘણભાઈને ઇજા થયેલી હોય,જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા હોય,જેની ખબર કાઢવા માટે ફરિયાદી વિરમભાઇ સરૈયા તથા રામજીભાઈ તથા ભરતભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખબર અંતર પૂછવા આવેલા હતા ત્યારે ગત તા.15 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં આરોપીઓએ ફરિયાદી પાસે માટી નાખવાના રૂપિયા માંગી ફરિયાદી તથા તેના સાથી મિત્રોને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી તેમજ લોખંડના પાઇપો વડે ફરિયાદીને માથામાં તથા જમણા પગમાં ઇજા પહોંચાડી આરોપીઓએ ફરિયાદી તથા તેની સાથેના વ્યક્તિઓને જીવથી મારી નાખવાની ધમકી મારી માર માર્યો હતો. બનાવ અંગે વધુ તપાસ કુવાડવા પોલીસના પી.એસ.આઈ. આઈ.એ.બેલીમ ચલાવી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં તૈનાત કરાયેલા એક્સ આર્મીની ફરજ પર ઉઠતા સવાલ
જે રીતે સિવિલ હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે શસ્ત્રો બવડે ધીંગાણું ખેલાયું ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે ગત સપ્તાહ જ બાઉન્સર તરીકે 30 જેટલાં એક્સ આર્મીમેનને તૈનાત કરવામાં આવ્યા હતા તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં જયારે આટલું મોટું ધીંગાણું ખેલાયું ત્યારે એક્સ આર્મીમેનની ફરજ પર પણ સવાલ ઉઠ્યા છે.