- બંદૂકના કુંદા તેમજ ધોકા વડે ચાર વ્યક્તિને માર મરાયો : 2 અજાણ્યા સહીત 7 વિરુદ્ધ ગુન્હો દાખલ
રાજકોટ તાલુકાના માલિયાસણ ગામે જમીનના ડખામાં સાત શખ્સે હથિયારો સાથે હુમલો કરી ચાર વ્યક્તિને ઇજા પહોંચાડ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
માલિયાસણ ખાતે રહેતા જગદીશભાઇ રણછોડભાઇ ભૂત નામના પ્રૌઢે રાજકોટની આર્ય સોસાયટીમાં રહેતા હરિ રાઘવ ગમારા, દિનેશ રાઘવ ગમારા, ધનરાજ દિનેશ ગમારા, દિનેશ ગમારાનો બીજો દીકરો, હરિ ગમારાનો દીકરો અને બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પ્રૌઢની ફરિયાદ મુજબ, તેમની અમદાવાદ હાઇવે પર વાડી આવેલી છે. વાડીની બાજુમાં દિનેશ ગમારાની વાડી આવી છે. બંને જમીનની માપણી કરાવતા અમારું મકાન દિનેશના સરવે નંબરમાં આવતું હતું. જેથી અમે જાતે જ મજૂર મોકલી મકાન તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી.
ત્યારે શનિવારે પોતે શ્રમિક તુલસીભાઇ, મહેશભાઇ, કૈલાબેન સાથે મકાન પાડવાનું કામ કરતા હતા. આ સમયે દિનેશનો ભાઇ હરિ અને એક અજાણ્યો શખ્સ ત્યાં આવી તમે મકાન કેમ તોડો છો આ મકાન અમારી વાડીમાં આવેલું છે. તેમ કહી માથાકૂટ કરતા હતા. થોડી વાર દિનેશ સહિતના શખ્સો પણ ધસી આવી મકાન તોડવાના મુદ્દે માથાકૂટ કરવા લાગ્યા હતા. મામલો બિચકતા દિનેશ સહિતના શખ્સોએ તેમને અને શ્રમિકોને તમાચા મારી દીધા હતા. બાદમાં દિનેશ અને હરિએ નેફામાંથી બંદૂક કાઢી કુંદા છાતીમાં મારી આજે તો તને જાનથી મારી નાખવો છે તેમ કહી બધા તૂટી પડ્યા હતા. બાદમાં બધા ભાગી ગયા હતા. બાદમાં હુમલામાં પોતાને તેમજ મહિલા સહિત ત્રણ શ્રમિકને ઇજા થતા ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મામલામાં ફરિયાદી જગદીશ ભૂતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માલીયાસણ સર્વે નંબર 204માં અમારી કુલ 30 વીઘા જમીન આવેલી છે. જેની બાજુમાં દિનેશભાઇ ગમારાનું ખેતર આવેલું છે. અમારી જમીનની હદમાં 50 વર્ષ જૂનું ગોડાઉન જેવું મકાન આવેલું છે. થોડા સમય પૂર્વે જમીનની માપણી કરતા અમારું મકાન દિનેશભાઇ ગમારાની જમીનમાં આવ્યું હતું ત્યારે અમોએ મકાન તોડી પાડવાનું નક્કી કરતા દિનેશભાઇએ મકાન નહિ તોડવા જણાવ્યું હતું. જે પેટે તેઓ મકાનના પૈસા આપી દેશે તેવું જણાવ્યું હતું પરંતુ સમય જતાં તેમણે પૈસા આપવા બાબતે કોઈ જવાબ નહિ આપતાં અમોએ મકાન તોડવાની કામગીરી હાથ ધરેલ હતી. જે નહિ ગમતા દિનેશભાઇ ગમારા સહિતનાએ ધોકા તેમજ બંદૂકના કુંદા વડે હુમલો કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિનેશભાઇ ગમારાએ યેનકેન પ્રકારે અમારી દોઢ એકર જમીન પણ પચાવી પાડી છે જે અંગે તેઓ તંત્ર સમક્ષ ફરિયાદ પણ કરશે તેવું તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.