- રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી બન્યા ‘અબતક’ના અણમોલ અતિથી: મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે કરી અલગ-અલગ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે ત્યારે સૌથી વધુ ચર્ચા રાજકોટ બેઠકની થઇ રહી છે. રાજકોટ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને જ્યારે કોંગ્રેસે દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતાર્યા છે. ત્યારે આજે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી ‘અબતક’ના અણમોલ અતિથી બન્યા હતા અને મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે અલગ-અલગ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા રાજકોટને રણમેદાનમાં ફેરવવાનો ચોક્કસપૂર્વકનો પ્રયાસ થયો છે. ત્યારે હું પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણમેદાનમાં અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છું. અર્જુને જેમ લક્ષ્યવેધ કર્યું હતું હું ટ્વેન્ટી-ટ્વેન્ટી જીતી બતાવીશ. તેવો વિજય વિશ્વાસ પરેશ ધાનાણીએ વ્યક્ત કર્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ કોઇ વ્યક્તિ સામેની લડાઇ નથી. પરષોત્તમ રૂપાલાની વિરૂધ્ધ પરેશભાઇ ધાનાણીની લડાઇ નથી કે ભાજપ વિરૂધ્ધ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની લડાઇ નથી. આ લડાઇનું બીજ ભાજપે રાજકીય રોટલા શેકવા માટે વર્ગ-વિગ્રહનો ફલ્લીતો ચાંપી અને ઇરાદાપૂર્વક ઉભું કરેલું રણમેદાન છે. એ બીજના પાયામાં ભાજપના કાર્યાલયે લાગેલો દાવાનળ છે અને તેને ફલ્લીતો ચાંપવાનું કામ તેઓએ કર્યું છે.
ભાજપના ઉમેદવારોનું અહંકારી નેતૃત્વએ પાયાના કાર્યકરોની અવગણના કરી થોપી બેસાડ્યું હોય તેવું પણ બની શકે. સંજોગો બદલાયા બાદ ભાજપે વર્ગ-વિગ્રહનો ફલ્લીતો ચાંપી નવી પેઢીને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો છે ત્યારે દેશની કેટલીક દિકરીઓનું ભવિષ્ય ખતરામાં છે. માટે આ સ્થિતિમાં હું કે કોંગ્રેસ ચુપ ન બેસી શકીએ. રાજકોટના તમામ કાર્યકર્તાઓ પ્રેમનું નોતરૂં કાઢ્યું છે તેમનો હું સ્વિકાર કરૂં છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગઇકાલ બપોરે 3:00 વાગ્યે સ્વાભિમાન યુદ્વની શરૂઆત કરવી પડી.
રાજકોટને રણમેદાનમાં ફેરવવા માટે ભાજપ દ્વારા જે વર્ગ-વિગ્રહનું ષડયંત્ર રચાયું જો કે ઉમેદવારે પાછું વળવું જોઇતું હતું પરંતુ તે ન થયું. તેના કારણે સ્વાભિમાન યુદ્વની શરૂઆત કરવી પડી. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. તેમ ભાજપ માને છે કે સમગ્ર ભારત ભાજપનો ગઢ છે. જો કે, ગઢ તો ગયા હવે લોકશાહીની વ્યવસ્થા ટકાવવાનો પડકાર આજે ઉભો થયો છે. એ જ અહંકારી માનસિકતાએ દેશની દિકરીઓના સ્વાભિમાનને ઠેંસ પહોંચાડવાનું પ્રયાસ કર્યો અને મને રાજકોટના રણમેદાનના નેતૃત્વના સેનાપતિ બનાવવાની જવાબદારી સોંપી છે ત્યારે પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણમેદાનમાં અહંકારી માછલીની આંખ વિંધવા હું આવ્યો છું. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપે સંભવિત: પ્રતિસ્પર્ધી ઉમેદવાર રૂપાલાને રાજકોટ બેસાડ્યા છે. તેઓએ ટેસ્ટ મેચ રમી છતાં સ્કોર કરી શક્યા નથી. એટલે જ કોંગ્રેસના નેતૃત્વએ મને ટ્વેન્ટી-ટ્વેન્ટી રમવા મોકલ્યો છે અને મને વિશ્વાસ છે કે આ સ્કોરને અમે પાર પાડી દઇશું.
26 વર્ષની ઉંમરે પરેશ ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા
‘અબતક’ની મુલાકાતે આવેલા રાજકોટ કોંગ્રેસ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે એક ટાઇમમાં દૂધ પીતા બાળકને પણ અમરેલીના લોકોએ જીતાડી દીધો હતો. કટાક્ષ કરતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 22 વર્ષના વાણા વહી ગયા હવે તો લોકો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે છે. નામ લીધા વિના જ પરેશ ધાનાણીએ રૂપાલા પર પ્રહાર કર્યા હતા અને છેલ્લે જણાવ્યું હતું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ રંગીલા રાજકોટ મારા હૃદ્યમાં વસે છે અને રંગીલા રાજકોટની પ્રજાનો વિશ્વાસ હું જીતીને બતાવીશ.