અયોધ્યા વિવાદ પૂર્ણ થવામાં!!!
સુનાવણી ઝડપભેર પૂર્ણ કરવા દરરોજ એક કલાક સમય વધારવા તથા શનિવારે પણ સુનાવણી યોજવા સીજેઆઈ રંજન ગોગોઈની તૈયારી
આયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય અગામી થોડા મહિનામાં આવવાની શકયતા વધી ગઈ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. ગઈકાલે સીજેઆઈ ગોગાઈએ તમામ પક્ષકારોને તેમની દલીલ પુરી કરવા વિશે પુછીને સુનાવણી નક્કી સમયે પૂર્ણ થઈ જાય અને તે ૧૮ ઓક્ટોબરથી આગળ ન વધે તેના માટે તમામે મળીને સહયોગ કરવા જણાવ્યું હતું. આ માટે જરૂર પડે તો બેન્ચે સુનાવણીનો સમય એક કલાક વધારવાની સાથે શનિવારે પણ સુનાવણી માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના હાલના વલણથી એવું લાગી રહ્યું છે કે નવેમ્બર મહીનામાં આ મામલાનો ચુકાદો આવી શકે છે.
સીજેઆઈની આ ટીપ્પણી મુદ્દે સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે, મુસ્લિમ પક્ષકારોને હાલનું સપ્તાહ અને અગામી સંપૂર્ણ સપ્તાહ દલીલ પુરી કરવામાં લાગશે. હિંન્દૂ પક્ષકારોએ કહ્યું કે આ દલીલો પર જવાબ આપવા માટે અમને બે દિવસ લાગશે. ધવને કહ્યું કે બાદમાં અમને પણ બે દિવસ લાગશે. જો કે, નિર્મોહી અખાડા તરફથી ચોક્કસ સમય આપ્યો ન હતો પરંતુ તેમણે કહ્યું કે થોડા દિવસો અમને પણ જોઈએ છીએ. સીજેઆઈએ કહ્યું કે તમામ પક્ષ તેમની દલીલ ૧૮ ઓક્ટોબર સુધીમાં પુરી કરી લે તે માટે આપણે હળીમળીને પ્રયાસ કરવો જોઈએ કે સુનાવણી નક્કી સમયમાં પુરી થઈ જાય. તેમણે સંકેત આપ્યો કે જો સમય ઘટી રહ્યો છે તો આપણે શનિવારે પણ સુનાવણી કરી શકીએ છીએ. સીજેઆઈએ આ મામલામાં પક્ષકારોની મધ્યસ્થી પ્રક્રિયા શરૂ કરવાની માંગ પર કહ્યું કે જો બે પક્ષ પરસ્પર મધ્યસ્થી દ્વારા વિવાદનું સમાધાન કરવા માંગે છે તો તેઓ કરી શકે છે. પરંતુ સુનાવણી ચાલુ રહેશે. જો મધ્યસ્થી અંગે કોઈ વાત થાય છે તો તેનો રિપોર્ટ કોર્ટને આપવામાં આવશે. તેને લઈને ગુપ્તતા યથાવત રહેશે.
મંગળવારે સુનાવણીમાં વકીલ રાજીવ ધવને દલીલ કરી હતી કે રામની પવિત્રતા પર કોઈ વિવાદ નથી. તેની પર પણ સવાલ નથી કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં કઈ જગ્યાએ થયો હતો. જોકે આવી પવિત્રતા કોઈ જગ્યાને એક ન્યાયિક વ્યક્તિ બદલવા માટે પર્યાપ્ત કયારે થશે ? જન્મસ્થાન એક ન્યાયિક વ્યક્તિ ન હોઈ શકે. જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવી છે, પરંતુ કૃષ્ણ ન્યાયિક વ્યક્તિ નથી. ધવને શિયા વક્ફ બોર્ડના દાવને ફગાવ્યો છે. તેમણે કહ્યું- બાબરી મસ્જિદ વક્ફની સંપતિ છે અને તેની પર સુન્ની વક્ફ બોર્ડનો હક છે. ૧૮૮૫ બાદ જ બાબરી મસ્જિદની બહારના રામ ચબૂતરાની રામ જન્મસ્થાનના રૂપમાં ઓળખ થઈ. સુપ્રીમ કોર્ટે ૮ માર્ચે આ મામલાની પતાવટ માટે મધ્યસ્થી પેનલ બનાવવામાં આવી હતી. તેમાં પૂર્વ જસ્ટિસ એફએમ કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, સિનિય વકીલ શ્રીરામ પંચૂ સામેલ હતા. જોકે પેનલ મામલાના સમાધાન માટે કોઈ પરિણામ પર આવી શકી ન હતી.
૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં ૧૪ અરજીઓ કરવામાં આવી હતી. હોઈકોર્ટે તેના ચૂકાદામાં કહ્યું હતું કે અયોધ્યાના ૨.૭૭ એકરના ક્ષેત્રને ત્રણ હિસ્સામાં એક સરખી રીતે વહેંચવામાં આવે. પ્રથમ-સુન્ની વકફ બોર્ડ, દ્વીતીય-નિર્મોહી અખાડા અને તૃતીય- રામલલા વિરાજમાન. વચ્ચે વહેંચવાનો હુકમ કર્યો હતો.