આજના જમાનામાં કોઈ પણ વસ્તુ ચોખ્ખી મળવી મુશ્કેલ છે. ફળ, શાકભાજી, અનાજ, મસાલામાં ભેળસેળ થતી હોય છે. આવી રોજિંદા વપરાશની ચીજવસ્તુ બનાવટથી માંડીને આપણા ઘરમાં પહોંચે ત્યાં સુધી થોડાઘણા અંશે કંઈકને કંઈક ભેળસેળ થતી હોય છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાં અથવા તો તેની બનાવટમાં થતી ભેળસેળને રોકવી આપણાં હાથમાં નથી. પરંતુ જો સમયસર થયેલી ભેળસેળને ઓળખી લઈએ, તો મોટાભાગના નુકસાનમાંથી બચી શકાય તેમ હોય છે. તો અહીં આપના માટે અમે કેટલીક વસ્તુઓના ઉદાહરણ પણ દર્શાવ્યાં છે.

દૂધમાં ભેળસેળ: વડીલોનું માનવું છે કે, દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધથી વધુ પૌષ્ટિક ખોરાક બીજુ કશું છે જ નહીં. પરંતુ શું તમે જાણો છો કે, દૂધ એ એક એવુ કુદરતી ખાદ્ય પદાર્થ છે કે, જેમાં સરળતાથી ભેળસેળ કરી શકાય છે. કેટલાક હોંશિયાર લોકો દૂધમાં એકસાથે એકથી વધારે પદાર્થો કે રસાયણોની ભેળસેળ કરે છે. જેનાથી દૂધમાં ચકાસણી કરવી મુશ્કેલ બની જાય છે. પરંતુ જો થોડી કાળજી રાખવામાં આવે, તો ભેળસેળવાળા દૂધના સેવનથી બચી શકાય છે.

અનાજમાં ભેળસેળ: અનાજને પોષકતત્વોનો ભંડાર કહેવામાં આવે છે. ઘઉં, ચોખા, બાજરી, દાળ, ગોળમાં શરીરને જરૂરી એવા અલગ-અલગ પોષકતત્વો હોય છે. પરંતુ ઘણીવાર સારો નફો કમાવવાની લાલચે કેટલાક લેભાગુ તત્વો અનાજમાં પણ ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે.

મસાલામાં ભેળસેળ: મસાલાને રસોઈની સોડમ માનવામાં આવે છે. મસાલા ભોજનનો સ્વાદ વધારે છે. મસાલા વગર 56 પકવાન પણ ફિક્કા લાગે છે. જોકે, સ્વાદના રસિયાઓને કદાચ એ ખબર નહીં હોય કે, મસાલામાં પણ ભેળસેળ થતી હોય છે. જેના પગલે બારેમાસનો સ્ટોક ભરતી પહેલા ગૃહિણીઓએ એ વાતની ચોકસાઈ કરી લેવી જોઈએ, કે મસાલામાં કોઈ ભેળસેળ તો નથી થઈને? હળદર, મરચામાં અને ધાણાજીરૂમાં થોડી વધુ માત્રામાં કલરની ભેળસેળ કરવામાં આવે છે. આવી ભેળસેળ આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે. આ સિવાય કેસર, એલચી, તજ, મરી જવા તેજાના પણ ભેળસેળ થવાથી બાકાત નથી.

મધમાં ભેળસેળ: મધ કુદરતે આપેલી અનમોલ ભેટ છે. બોડીને ફીટ રાખવુ હોય કે બાળકને ગળથૂથી આપવી હોય સૌથી પહેલા મધ જ યાદ આવે. શુદ્ધ મધ ચરબી અને કોલેસ્ટેરોલ મુક્ત હોય છે. મધ મિનરલ્સ, એન્ઝાઈમ્સ જેવા પોષકતત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો વિપુલ માત્રામાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. મધનાં આવા ફાયદા ત્યારે જ મળે છે જ્યારે મધ શુદ્ધ એટલે કે સો ટચના સોના જેવુ ચોખ્ખુ હોય. શુદ્ધ મધની કિંમત બજારમાં થોડી વધુ હોય છે, જેનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો મધમાં થોડી ભેળસેળ કરીને સસ્તામાં ચોખ્ખુ મધ આપવાના દાવા કરતા હોય છે.

સફરજનમાં ભેળસેળ: સફરજન માટે કહેવામાં આવે છે કે, જો તમે એક સફરજન દરરોજ ખાઓ, તો તમારે ક્યારેય ડૉક્ટર પાસે નહીં જવુ પડે. ફળોના રાજા કહેવાતા સફરજનમાં મોટાપ્રમાણમાં ભેળસેળ થાય છે. સફરજનને લાંબા સમય સુધી સારા રાખવા માટે તેના પર વેક્સ એટલે કે મીણની પોલીશ કરવામાં આવે છે. જેથી તે દેખાવમાં આકર્ષક અને ચમકદાર લાગે. આ મીણનું પડ એટલી ચાલાકીથી લગાડવામાં આવે છે કે તે નરી આંખે જોઈ નથી શકાતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.