વેકસીન આપવામાં ઘોર અવગણનાથી ભારે રોષ

તોડા કુત્તા ટોમી, સાડા કુત્તા કુત્તા

કોરોનાના જોખમ વચ્ચે જે વીજ કર્મચારીઓએ દિવસ રાત ફરજ બજાવી તેને જ તંત્ર ભૂલી ગયું!!

હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં રહેલા પતોડા કુત્તા ટોમી, સાડા કુત્તા કુત્તાથનો ડાયલોગ વીજ કર્મીઓની વેદના પ્રગટ કરી રહ્યો છે. સરકાર માટે બીજા કર્મચારીઓ કોરોના વોરીયર્સ છે તો વીજ કર્મચારીઓ કેમ નહિ? આવો સવાલ વેકસીન આપવામાં જેમની અવગણના થઈ રહી છે. તેવા વીજ કર્મચારીઓ સરકાર સમક્ષ ઉઠાવી રહ્યા છે. કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયું હતું. ત્યારે લોકો આખો દિવસ પોતાના ઘરમાં જ પસાર કરતા હોય તેઓ માટે સતત વીજળી પુરવઠો પૂરો પાડવો ખુબ જરૂરી બન્યો હતો. આવા સમયે વીજ કર્મચારીઓ સ્થિતિની ગંભીરતા સમજીને કોરોના વચ્ચે પોતાના જીવના જોખમે દિવસ રાત ફરજ બજાવતા રહ્યા હતા. તે સમયે વીજ કર્મચારીઓને કોરોના વોરીયર્સનો દરજ્જો મળ્યો હતો. પણ વાત જ્યારે વેકસીનેશનની આવી ત્યારે વીજ કર્મચારીઓ કોરોના વોરીયર્સ મટી ગયા હતા.

તંત્રની આ બેવડી અને ગરજુડી કહી શકાય તેવી નીતિ સામે રાજ્યભરના વીજ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ પણ વીજ કર્મચારીઓ તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો સાતત્ય રીતે પૂરો પાડવા ફરજ બજાવી રહ્યા છે. તેઓને વેકસીન આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. બીજી તરફ વીજ કંપનીઓના મેનેજમેન્ટ પ્રત્યે પણ વીજ કર્મચારીઓમાં અસંતોષની લાગણી પ્રગટી છે. કારણકે મેનેજમેન્ટ દ્વારા પણ પોતાના કર્મચારીઓને રસી અપાવવામાં કોઈ રસ લેવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યભરની વિવિધ વીજ કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારોભાર રોષની લાગણી જન્મી છે. માત્ર પોલીસ અને ડોક્ટરોને જ સરકાર કોરોના વોરિયર્સ ગણી રહી હોય, આવી બેવડી નીતિને વીજ કર્મચારીઓ વખોડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.