ચીને જમીન વિસ્તારો, બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વતીય શિખરો અને બે નદીઓ સહિત 11 સ્થળોના નવા નામો જાહેર કર્યા
ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરવા માટે સમયાંતરે નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. ફરી એકવાર ચીને પોતાના નકશામાં અરુણાચલ સાથે સંબંધિત સ્થળોના નામ બદલી નાખ્યા છે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નવા નામ જાહેર કર્યા છે. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનું હોવાનો દાવો કરતું રહ્યું છે. મંત્રાલય દ્વારા રવિવારે બે જમીન વિસ્તારો, બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વતીય શિખરો અને બે નદીઓ સહિત 11 સ્થળોના સત્તાવાર નામો જાહેર કરવામાં આવ્યા હતા.
ચીનના સત્તાવાર મીડિયા ગ્લોબલ ટાઈમ્સે સોમવારે આ સંબંધિત માહિતી આપી. આ ત્રીજી વખત છે જ્યારે ચીનના નાગરિક મંત્રાલયે તેના રેકોર્ડમાં અરુણાચલ પ્રદેશનું નામ બદલ્યું છે. અગાઉ 2017માં ચીન દ્વારા છ અને 2021માં 15 સ્થળોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે ભૂતકાળમાં પણ ચીનને આ અંગે ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતે અગાઉ પણ ચીનના આવા પગલાને નકારી કાઢ્યું હતું. ભારતે અગાઉ પણ કહ્યું હતું કે આ રાજ્ય હંમેશા ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે. નામ બદલવાથી આ હકીકત બદલાશે નહીં.
જ્યારે ચીને 2021માં નામ બદલ્યું ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ડિસેમ્બર 2021માં કહ્યું હતું કે, ’આ પહેલીવાર નથી જ્યારે ચીને નામ બદલવા જેવી બાબતો કરી હોય. અરુણાચલ હંમેશા ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. તમારા મનમાં કોઈ નામ બનાવવું અને તેને બદલવાથી આ હકીકત બદલાતી નથી.’ ગ્લોબલ ટાઈમ્સે, જેને ચીન સરકારનો વ્હિસલબ્લોઅર કહેવામાં આવે છે, તેણે નિષ્ણાતોને ટાંકીને કહ્યું કે નામોની જાહેરાત એક કાયદેસરનું પગલું છે. ચીનને તેને બદલવાનો પૂરો અધિકાર છે.
વર્ષ 2017માં દલાઈ લામા અરુણાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા. ચીને તેમની મુલાકાતની ટીકા કરી અને થોડા દિવસો પછી પ્રથમ વખત નામ બદલ્યું. છેલ્લા કેટલાક સમયથી ચીન અને ભારત વચ્ચેના સંબંધો વણસેલા છે. 2017માં ડોકલાનને લઈને ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી. આ સિવાય ચીન અને ભારત વચ્ચે વેપારને લઈને તણાવ ચાલી રહ્યો છે. ભારતે છેલ્લા ઘણા વર્ષોમાં ઘણી ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.