ચોમાસાની ઋતુને લઈને મહાપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારી સાથે મીટિંગ યોજી હતી. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્નો, તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમિશનરે ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને અત્યંત ગંભીરતાથી હાથ પર લીધો છે અને તંત્રની કામગીરીમાં કચાશ નાં રહે તેના પર ખાસ ભાર મુક્યો હતો.
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અનુસંધાને ત્રણેય ઝોનના ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર, એ. આર. સિંહ અને ચેતન નંદાણીને જે જે વિસ્તારોમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવતી રહે છે ત્યાં સ્થળ મુલાકાત કરી સ્થાનિક કોર્પોરેટરો પાસેથી ફીડબેક મેળવવા અને તેમાં એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણ સાથે કેવાકેવા પ્રકારના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉકેલ લાવી શકાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
સાથોસાથ જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર સત્વરે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિનાવિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જે વિસ્તારોમાં પ્રમાણમાં ઓછું પાણી ભરાય છે અને થોડા સમય બાદ પાણી ઓસરી પણ જતા હોય છે, જોકે આવા યેલ્લો ઝોનમાં આવશ્યકતા અનુસાર પાણી નિકાલની કામગીરી કરવા જણાવ્યું હતું.
શહેરનાં જે રસ્તા કે વિસ્તારમાં પાણી ભરાતા હોય છે ત્યાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મનાં ઉકેલ સુનિશ્ચિત કરવાનાં આયોજન માટે જે વિસ્તારોમાં પાણી ભરાઈ છે તેવી શેરીઓ કેટલી ? સોસાયટીઓ કેટલી ? કોમર્શિયલ એરિયા કેટલા ? વિગેરે પ્રકારની માહિતી મેળવી તેનો અભ્યાસ કરીને જરૂરી નિષ્કર્ષ પર પહોંચવાની આવશ્યકતા પર ભાર મુકતા મ્યુનિ, કમિશનરે અધિકારીઓને એમ કહ્યું હતું કે, જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો આવે છે તેવા સ્થળોએ કુદરતીરીતે પાણીનો કેટલા સમયમાં નિકાલ થઇ જાય છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું રહે છે.
જે સ્થળોએ પાણી નિકાલ માટે વધુ સમય લાગતો હોય તેવા સ્થળોને વધુ ગંભીરતાથી ધ્યાન આપવું, પાણી નિકાલ કરવા માટે જે-તે સ્થળને બે ઝોનમાં વિભાજીત કરવા જેમ કે, જ્યાં વધારે પાણી ભરાઈ છે અને પાણી નિકાલમાં કરવામાં પણ વધારે સમય લાગતો હોય તેવા વિસ્તારોને રેડ ઝોન તેમજ કુદરતીરીતે ઓછા સમયમાં પાણીનો નિકાલ થતો હોય તેવા સ્થળને યલો ઝોન ગણવો. અલબત્ત રેડ અને યલો ઝોનની વ્યાખ્યા એરિયાની ભૌતિક સ્થિતિ ઉપર પણ નિર્ભર રહે છે. રેડ ઝોન એરિયા પર સીસીટીવીથી નજર રાખી શકાય.
વધુમાં મ્યુનિ. કમિશનરે દરેક વોર્ડમાં એડવાન્સ પ્લાનિંમાં રોસ્ટર મુજબ કર્મચારીઓની ટીમો સ્ટેન્ડ બાય રાખવા અને જ્યાં પણ પાણી ભરાતા હોય તેવા એરીયામાં પાણી નિકાલ માટેની લાઈનની ઝાળીઓ ચોખ્ખી રાખવા પર ખાસ ભાર મુક્યો હતો.