ટીપી રોડનું ક્ષેત્રફળ ૨૦૫૮૨૮ ચો.મી., રોડની પહોળાઈ ૯ થી લઈ ૨૪ મીટર સુધીની ટીપી સ્કીમ નં.૨૬ (પ્રિલીમીનરી)ને મુખ્યમંત્રીએ મંજૂરી આપતા વિકાસના દ્વાર ખુલશે
રાજકોટ મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નં.૨૬ (મવડી) પ્રીલીમીનરીને ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંજૂરીની મહોર મારતા મવડી વિસ્તારમાં વિકાસના નવા દ્વારો ખુલશે. આ ટીપીના ડ્રાફટને ૧૩ વર્ષ પૂર્વે મંજૂરી મારવામાં આવી હતી. પ્રીલીમીનરી ટીપી મંજૂર થતાં મહાપાલિકાને ૬૨ અનામત પ્લોટ મળશે જેનું ક્ષેત્રફળ આશરે ૨૦૩૭૮૦ ચો.મી. જેવું થવા પામે છે.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, ટીપી સ્કીમ નં.૨૬ (મવડી) ડ્રાફટને તા.૨૫-૯-૨૦૦૭ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે ટીપી ૨૬ પ્રીલીમીનરીને મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ટીપી સ્કીમનું કુલ ક્ષેત્રફળ ૧૨૪.૬૫ હેકટર જેવું થવા પામે છે. વિસ્તારમાં ટીપી રોડની પહોળાઈ ૯ થી લઈ ૨૪ મીટર સુધીની છે. ટીપી રોડનું ક્ષેત્રફળ ૨૦૫૮૨૮ ચો.મી. જેવું છે. ટીપી સ્કીમ મંજૂર થતાં મહાપાલિકાને અલગ અલગ હેતુના ૬૨ પ્લોટ મળશે. જેનું ક્ષેત્રફળ ૨૩૭૦૮૦ ચો.મી. જેવું થવા પામે છે. જેમાં એસઈડબલ્યુએસએચ હેતુના અનામત પ્લોટનું ક્ષેત્રફળ ૬૭૮૧૬ ચો.મી. વાણીજય વેંચાણ હેતુ માટે પ્રાપ્ત થનાર અનામત પ્લોટનું ક્ષેત્રફળ ૬૦૬૭૬ ચો.મી., રહેણાંક હેતુના વેંચાણ માટેના અનામત પ્લોટનું ક્ષેત્રફળ ૪૦૬૮૫ ચો.મી., બગીચા બનાવવા માટેના અનામત હેતુના પ્લોટનું ક્ષેત્રફળ ૩૩૫૮૭ ચો.મી., હોસ્પિટલ માટેના અનામત પ્લોટનું ક્ષેત્રફળ ૭૩૫૦ ચો.મી., જાહેર હેતુ માટેના અનામત પ્લોટનું ક્ષેત્રફળ ૧૯૬૪૬ ચો.મી., પાર્કિંગ હેતુ માટેના અનામત પ્લોટનું ક્ષેત્રફળ ૮૬૬ ચો.મી. અને સ્કૂલ તથા પ્લે ગ્રાઉન્ડ માટેના અનામત પ્લોટનું ક્ષેત્રફળ ૬૪૫૪ ચો.મી. થવા પામે છે. પ્રીલીમીનરી ટીપી સ્કીમ મંજૂર થતા હવે મહાપાલિકાને ૬૨ અનામત પ્લોટનો કબજો મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટીપી સ્કીમ નં.૨૬, રાજકોટ-મવડી, ટીપી સ્કીમ નં.૧૦૬ વસ્ત્રાલ-રામોલ અમદાવાદ પૂર્વ અને ટીપી સ્કીમ નં.૬૪ ત્રાંગડ-અમદાવાદ પશ્ર્ચિમને મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦માં અત્યાર સુધીમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં ૧૮ ડ્રાફટ ટીપી સ્કીમ, ૧૪ પ્રીલીમીનરી અને ૪ ફાઈનલ સહિત કુલ ૩૬ ટીપી સ્કીમોને મંજૂરી આપી છે.