આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અનુસાર રામનાથ મંદિર રિ-ડેવલપમેન્ટની નવી ડીઝાઇન એક મહિનામાં તૈયાર થઇ જશે: હયાત બાંધકામને તોડાશે, મંદિરના મૂળ બાંધકામમાં કોઇપણ પ્રકારનો ફેરફાર નહીં કરાય

રાજકોટના ગામ દેવતા એવા રામનાથ મહાદેવ મંદિરના જીણોધ્ધારનું કામ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કલેક્ટર વિભાગ પાસેથી લઇ કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યું છે. હવે મંદિરના રિ-ડેલપમેન્ટનું સંપૂર્ણ કામ કોર્પોરેશન સંભાળી રહ્યું છે. આ માટે બે અધિકારીઓની પણ નિયુક્તિ કરી દેવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદમાં મંદિર પાણીમાં ગરકાવ થઇ જતું હોય છે અને ગટરના ગંધાતા પાણીથી મહાદેવનો જળાભિષેક થતો હોય આ નિહાળી ભાવિકોના હૈયા હચમચી ઉઠે છે. આ પરિસ્થિતિના કાયમી નિકાલ માટે કોર્પોરેશન દ્વારા રામનાથ મહાદેવ મંદિરનો વિસ્તાર વધારવામાં આવશે અને આજી નદી વહેણને ડાયવર્ટ કરવામાં આવશે. ટૂંક સમયમાં એજન્સી દ્વારા નવી ડીઝાઇન તૈયારી કરી કોર્પોરેશન સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતાં મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે રામનાથ મહાદેવ મંદિરના રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હવે મહાપાલિકા સંભાળ્યુ રહ્યુ છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને અનુસાર મંદિરની ડીઝાઇન તૈયાર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી કરનાર એજન્સીની નિયુક્તિ કરવામાં આવી છે. લોકોની ધાર્મિક ભાવનાને રતીભાર પણ ઠેસ ન પહોચે અને મંદિરની વર્ષો જૂની પરંપરા અને બાંધકામ જળવાઇ રહે તે માટે હવે મંદિરનો હયાત વિસ્તાર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિસ્તાર વધાર્યા બાદ ભાવિકો અને શહેરીજનો માટે રામનાથ મહાદેવ મંદિર એક શ્રેષ્ઠ ફરવા લાયક સ્થળ બની રહે તે માટે બ્યૂટીફિકેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. દર વર્ષે ચોમાસાની સીઝનમાં ભારે વરસાદના કારણે મંદિર પાણીમાં ડૂબી જતું હોય છે અને પાણી ઉતર્યા બાદ મંદિર પરિસરમાં પારાવાર ગંદકી જામી જતી હોય છે. આ પ્રશ્ર્નનો કાયમી નિવેડો લાવવા માટે આજી નદીના વહેણને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રામનાથ મંદિરથી થોડે દૂર એક વિશાળ રીટેનીંગ હોલ બનાવવામાં આવશે. મંદિરના સંપૂર્ણ વિસ્તાર પરથી આ દિવાલ બનાવવામાં આવશે જેથી મંદિરનું પાણી ડાયવર્ટ થઇ જશે. આ રીટેનીંગ હોલની ઉંચાઇ પણ સારી હશે જેના કારણે ભવિષ્યમાં ગમે તેવો વરસાદ આવે તો પણ મંદિર પાણીમાં ડૂબે નહીં.

મેયરે વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં રામનાથ મંદિરના રિ-ડેવલપમેન્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એજન્સી દ્વારા એક મહિનામાં મંદિરના જીણોધ્ધાર માટે કરવામાં બાંધકામ સહિતની ડીઝાઇનને કોર્પોરેશનને સોંપી દેવામાં આવશે. ત્યારબાદ ચર્ચા-વિચારણાં કરી ઝડપથી કામ શરૂ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે. હાલ યાત્રધામ વિકાસ બોર્ડ દ્વારા રામનાથ મહાદેવ મંદિર પાસે જે બાંધકામ કરવામાં આવ્યું છે તે તોડી પાડવામાં આવશે. ટૂંકમાં શહેરીજનોની ધાર્મિક ભાવનાને કોઇ ઠેસ ન પહોંચે તેવા પ્રયાસો હાથ ધરાશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં પર્યાવરણ વિભાગ અને પ્રદૂષણ બોર્ડ દ્વારા જે અલગ-અલગ ક્વેરી આપવામાં આવી હતી તે મોટાભાગની ક્વેરી નિકાલ કરી દેવામાં આવ્યો છે. ડિસેમ્બર માસના અંત સુધીમાં પ્રદૂષણ બોર્ડ દ્વારા ક્લિયરન્સ સર્ટીફિકેટ પણ આપી દેવામાં આવશે તેવું લાગી રહ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.