રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ(મા) યોજના અને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવત્તાયુકત સારવાર તદ્દન મફત મેળવી શકતા હતા પરંતુ હવે, આ યોજનામાં મા કાર્ડને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોઈ પણ એજન્સીઓમાં મા કાર્ડની નોંધણી કરવામાં આવશે નહીં. તારીખ 31મેથી મા કાર્ડની નોંધણીની એજન્સીઓ રદ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમા જ હવે મા કાર્ડ હવે કાઢી શકાશે.
મુખ્યમંત્રીના નિર્ણય અંતર્ગત સામૂહિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મા કાર્ડ કઢાવી શકાશે.આ યોજના અંતર્ગત મા કાર્ડ બનાવવાની કામગીરી એજન્સી પાસેથી લઈને હવે સરકારી હોસ્પિટલોને સોંપવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ નિર્ણયના પરિણામે હોસ્પિટલ સંચાલકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે કારણ કે હોસ્પિટલ સંચાલકોએ ફરજિયાત આ કામગીરી માટે વધારોનો એક સ્ટાફ રાખવાની સાથે સાથે તમામ ડૉક્યુમેન્ટસની પણ યોગ્ય રીતે ચકાસણી કરવાની જવાબદારી થશે.
સમગ્ર ગુજરાતમાં મા કાર્ડ બનાવવાની કામગીરી છેલ્લાં ત્રણ દિવસથી બંધ કરી દેવામાં આવી છે તેના કારણે લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા મા કાર્ડ નવા બનાવવા કે રીન્યૂ કરવા માટેની કામગીરી હવે નજીકની સરકારી હોસ્પિટલમાં આપવાનો નિર્ણય કરાયો છે. તેના લીધે પરેશાની વધવાની છે. કારણ કે પહેલા સુરત શહેરમાં સાત અને જિલ્લામાં ચાર મળી કુલ 11 કેન્દ્ર હતા.તેના બદલે હવે સરકારી હોસ્પિટલમાં જ મા કાર્ડ બનાવવાને કારણે શહેરમાં બે હોસ્પિટલમાં આ કામગીરી થવાની શક્યતા રહેલી છે.