કચ્છને કુદરતે ફકત આપત્તિઓની પ્રયોગશાળા જ બનાવી છે એવું નથી તાજેતરમાં ધોળાવીરા આવેલી આર્કિટેકટ ઇજનેર મુંબઇ સ્થિત પૂર્વી નિશિથ મહેતાએ કહ્યું હતું કે, કચ્છ તસવીરકલાના શોખીનો માટે કલા-સંસ્કૃતિનો ભર્યોભાદર્યો ખજાનો છે. ધોળાવીર અમારા જેવા આર્કિટેકચરના વિદ્યાર્થીઓ માટે, આર્કિઓલોજીના શિષ્યો માટે એક હાથવગી પ્રયોગશાળા છે. કચ્છ ગુજરાતનો અંતરિયાળ પ્રદેશ છે. અને અહીં આવવા આગોતરું આયોજન કરવું પડે, પરંતુ અહીં આવ્યા પછી એક-બે દિવસ વધારવા જ પડે એવો વિવિધતાસભર આ પ્રદેશ છે. છતાં બીજી મુલાકાત તો પેન્ડિંગ મારા જેવા ઘણાને રાખવી પડી હશે.
કાળચક્રમાં માનવ સંસ્કૃતિઓ જન્મે, પુખ્ત બને અને વિલીન થાયએ કુદરતનો નિયમ છે. દરેક નવી જન્મેલી સંસ્કૃતિને તેના ભૂતકાળમાં રસ હોય છે અને પોતે તેના પિતૃઓથી કેટલો આગળ વધ્યો છે, કેટલો સુધર્યો છે તે જાણવાની જિજ્ઞાસા મનુષ્ય માત્રમાં હોય છે.
ધોળાવીરામાં ૧૯૮૯થી ચાલી રહેલ ખોદકામ કંઇક આજ જીવ સુષ્ટિનું અનુસંધાન છે. જે તે વખતના પૂરાતત્વ વિભાગના અધિકારી બિસ્ત અને તેમના સહકર્મી અથાક મહેનત પછી પાંચ હજાર વર્ષ જૂનૂં મહાનગર ટુકડે ટુકડે જમીનમાંથી ધરબાયેલી સંસ્કૃતિ અને નગર રચનાને બહાર આવી રહ્યું છે. કાર્યરત શ્રમિકોની મોટી ફોજના ઉપર કચ્છના રણના તડકા અને ધૂળની રજકણોથી ભરાયેલી આંખોની પાંપણો છતાં કંઇક નવું શોધ્યાનો આનંદ છે. સિંધુ નદીના કાંઠે જન્મેલી જગતની સૌથી પ્રાચીન સંસ્કૃતિને સિંધ સંસ્કૃતિ કહેવામાં આવે છે. જો કે આ શબ્દ કાળસૂચક લેખાવો જોઇએ નહીં કે સ્થળસૂચક કારણ કે સિંઘુ કાંઠેથી છેક હડપ્પા, પંજાબ સુધી ખંભાતમાં લોથલ, કચ્છમાં ધોળાવીરા કે નાની રાયણ, મહારાષ્ટ્રમાં ડાઇમાબાદ સુધી વિસ્તરેલી માનવીઓની એકાત્મકતા એટલી તો નોંધપાત્ર છે કે આ કાળની તમામ વસાહતોને આપણે સિંઘુકાલીન અથવા હપ્પીય નામથી ઓળખીએ છીએ. ગુટા છોડી, સમૂહમાં વસવાટ કરી, ખેતી કરતી થયેલ માનવજાતિનો આ મધ્યાહ્ન સમય હતો અને સંસ્કૃતિની આ ઉષા હતી.
કચ્છનું ભૌગોલિક સામીપ્ય આ સમયના વ્યાપક માનવ વસવાટનું મુખ્ય કારણ ગણી શકાય. તદુપરાંત ખેતીની વિપુલ તકો, માટી કામ, કુંભાર કામ ની સગવડ અને આવડત તેમજ દરિયાઇ માર્ગે વિદેશો સાથે વેપાર કરવાની ક્ષમતાએ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કચ્છ કદાચ સિંઘુ પ્રદેશ અને શેષ ભારત વચ્ચેનું તેમજ વિદેશ અને બાકીના ભારત વચ્ચેનું ટ્રાંઝિટ પોઇન્ટ હશે.
કચ્છમાંથી મળી આવેલા અવશેષોમાં ધોળાવીરા એકમાત્ર શહેરી વસાહત હોય એમ લાગે છે. નવીનાળ, નેત્રા, પાબુમઠ, દેશલપર, ગુંતલી, નાની રાયણ અને શિકારપુર ખાતેની વસાહતો ગ્રામ્ય વસાહતો હોવાનું જણાયું છે. જો કે આ બાબતે સ્થળો ઉપર ધોળાવીરાના સ્તરનું ઉત્ખનન થવાનું બાકી છે. પુરાતત્વવિદોના મત મુજબ ધોળાવીરાની વસતિ દશ હજાર આસપાસ હશે.
કચ્છ તે સમયમાં ટાપુ હતો. હાલ જયાં કચ્છનું રણ છે ત્યાં સમુદ્ર હતો. કાળક્રમે આ સમુદ્ર ઇટાઇને કચ્છનું રણ બન્યું છે. ડેકકન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આ બાબત પુરવાર કરી છે. આ હિસાબે ધોળાવીરા અને કોરીનાળમાંથી ત્યાં સુધી જહાજી માર્ગ હોય તેમ માનવમાં આવે છે. તે ઉપરાંત રણની કાંધીએ બેઉ તરફ નાના મોટા ટાપુઓ ઉપર સિંધુકાલીન અવશેષો હોવાનું ઉપગ્રહ દર્શાવે છે. આમ આ બધી વસતિ પણ એકબીજા સાથે અને ધોળાવીરા સાથે નૌકા સંપર્કથી જોડાયેલી હોવી જોઇએ.
ધોળાવીરા કચ્છના ખડીર ભાગમાં આવેલું એક ગામ છે. આ ટાપુ ચારે તરફ રણથી ઘેરાયેલો છે. ધણા વર્ષો પહેલા રાહતકામ ઉપર દેખરેખ રાખનાર નામે શંભુદાનભાઇ ગઢવીને એક હડપ્પન મુદ્રા મળી આવી અને ત્યારબાદ ૧૯૭૦-૭૨ના ગાળામાં શ્રી જગપતિ જોષીએ પ્રારંભિક ઉત્ખનન કર્યુ હોવાનું ‘કચ્છ મિત્ર’ દૈનિકના અસ્મિતા-૯૬ના સરસ અંકમાં ડો. પુલિનભાઇ વસાએ નોંધ્યુ છે. મુખ્ય કાર્ય ૧૯૯૦થી ૯૩ના ગાળામાં પુરાતત્વ વિભાગે હાથ ધર્યું. જે આજે પણ આગળ વધી રહ્યું છે. પરિણામે વિરાટ સિંધુનગર પ્રકાશમાં આવ્યું. આ શહેરની ખાસ ધ્યાન ખેંચે તેવી તેની કિલ્લેબંધી છે. મુખ્ય મહેલ જે જેને સિટાડેલ કહેવામાં આવે છે તે ખુબ જ મજબૂત કિલ્લાથી રક્ષવામાં આવ્યો છે. બીજો કિલ્લો આ મહેલ તેમજ ઉપલા નગરની સુરક્ષા માટે બાંધવામાં આવ્યો છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે કચ્છનું આ નગર આજની જેમ દુશ્મનોથી કેટલું સાવચેત હશે તેનો આ અંદાજ છે. ધ્યાન ખેંચતી બીજી બાબત સુશોભિત સ્થંભો છે. એમ માનવામાં આવતું હતું કે સિંઘુકાલિન લોકો કલાના ઉપાસકો ન હતા, જેને કારણે વર્ષો સુધી તેમની નગર રચના એક સરખી, બિનકલાત્મક અને શુષ્ક હતી. પણ એવી માન્યતાને ધોળાવીરાએ ખોટી ઠેરવી છે. ધોળાવીરાના મહેલના ચારે દરવાજા કોતરણીવાળા પથ્થરોથી બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે કયાંય પણ જોવા મળ્યું નથી. ધોળાવીરામાંથી મળી આવેલું એક વિશાળ બોર્ડ, જેના ઉપર સિંઘુ લિપિમાં અક્ષરો લખવામાં આવ્યા છે. આ બોર્ડ ઉપર લુગદી જેવા પદાર્થ વડે ચોડીને મણકાઓથી લાખયેલા ૧૦ અક્ષરો કે સંજ્ઞાઓ છે. હજુ સુધી આપણે સિંધુ લિપિ ઉકેલી શકયા નથી. જયારે પણ આ લિપિ ઉકેલાશે ત્યારે આ બોર્ડ પરની સંજ્ઞાઓનો ઉકેલ રસપ્રદ નીવડશે.
અત્યાર સુધીના ઉત્ખનનથી એવું ફલિત થાય છે કે તત્કાલીન સમયમાં પણ કચ્છમાં પાણીની તંગી હોવી જોઇએ કારણ કે, પાણી બચાવવાના, વરસાદી પાણી ભેગું કરવાના અને દૂરની નદી તેમજ ઝરણામાંથી પાણી લઇ આવવાનો વ્પાપક પ્રયત્ન અહીં જોવા મળે છે. મહતમાં પાણીનું અકે મોટું ટાંકુ છે. જેમાં વિશાળ ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા છે અને આ ગરનાળા ભૂગર્ભમાં હોવાથી કિલ્લો બંધ હોવા છતાં પણ પાણીનો આ પ્રવાહ ચાલુ રહે છે. વરસાદી પાણી ભેગું થઇ તળાવમાં ભરાય તેવી રચના પણ છે. શોખીન વસતિ માટે નહાવાનો માટો હોજ છે. મહેલની બાજુમાં રમતગમતનું વિશાળ મેદાન છે. એ મેદાનની એક તરફ મહેલમાં બેઠેલી વ્યક્તિઓ અને બીજી તરફ નગરજનો બેસીને રમતગમત કે અન્ય કાર્યક્રમો જોઇ-માણી શકે. મહેલથી થોડે દૂર ઉપલું નગર છે, જેમાં ધનિકો અને વેપારીઓ વસતા હશે. બેથી પાંચ ઓરડાવાળા મોટા મકાનો પથ્થરોના બનાવેલા છે. ખૂબ જ વ્યવસ્થિત કાટખૂણે કાપતા રસ્તાઓ છે. વપરાયેલું પાણી આજની જેમ કોઇ રસ્તા ઉપર ઢોળતું નહોતું. અહી સુંદર ગટર વ્યવસ્થા જોવા મળે છે. દરેક ઘરમાંથી નીકળતું પાણી ઘરની બહાર રહેલી ભોંખાળ જેવા માટલામાં અને ત્યાંથી ગટરમાં લઇ જવાતું. ઘરેણાં બનાવવાની, મણકા બનાવવાની અને તેમાં કાણા પાડવાની દુકાનોની હાર પણ અહી જોવા મળે છે.
ઉપલા નગરથી દૂર એક ગરીબ વસતિ હોવાનું જણાય છે જેને પુરાતત્વવિદો નીચલું નગર કહે છે. અહી કાંચા પાકાં નાનાં મકાનો દેખાય છે. શ્રમિક વર્ગ માટે પણ મેલા પાણીના નિકાલની વ્યવસ્થા ઉપલા નગર જેવી જ છે. અહીથી હડપ્પીય મુદ્રાઓ, વજનિયાં, કાટલાં, હથિયારો, મણકા, સોનાના આભૂષણો મળ્યા છે. એકાદ માૃતકા પણ મળી છે. મંદિર કે તેને લાગું પડતું કશું જ ન મળવું એ સિંધુકાલીન લોકો અદ્વેત અથવા પર બ્રહ્યના ઉપાસક હોવાનું પ્રેરે છે.છીપની એક ગોળાકાર રિંગ મળી છે. જેમાં ઉપરના ભાગમાં છ અને નીચેના ભાગમાં છ એમ ઊભા કાપા કરવામાં આવ્યા છે. અને વિદ્વાનો આને પંચાગની બાર રાશિઓના પ્રીતક અથવા નેવિગેશન કંપાસ-હોકાયંત્ર હોવાનું તારણ કાઢે છે.ા.૧ કરોડ ૨૩ લાખના ખર્ચે હાલ ધોળાવીરામાં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એક સંકુલ આકાર લઇ રહ્યું છે જયાં સંશોધકો માટે અભ્યાસની સગવડ, રહેવાની સુવિધાઓ, પ્રયોગશાળા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. પ્રવાસન ધામ બની રહે તેવા હેતુથી અહી રાજયના પ્રવાસન વિભાગ દ્વારા અદ્યતન હોટેલ પણ તૈયાર થઇ રહી છે.હા, આ સંસ્કૃતિને જોડતી એક બીજી સાઇટ પણ ખાવડા વિસ્તારમાં પુરાતત્વ વિભાગે શોધી કાઢી છે. કૂરન ગામમાં મળેલી આ સાઇટમાં ઉત્ખનન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. અહીંથી પણ પ્રાચીન સમયના અનેક રહસ્યો બહાર આવશે.