એજન્ડા સહિતના મુદે વાઇસ ચેરમેને લવાદ કોર્ટમાં માગી’તી દાદ
જામનગર જિલ્લા સહકારી બેંકની તા. 31-3-ર1 ના રોજ મળનારી સાધારણ સભા યોજવા લવાદ કોર્ટે મનાઇ હુકમ આયો છે. અને આ અંગેની વધુ સુનાવણી તા.8 એપ્રિલના રોજ રાખવામાં આવી હોવાનું એડવોકેટ મહેન્દ્ર ફળદુએ જણાવ્યું હતું.
રાજકોટ લવાદ કોર્ટના સીનીયર જજ જયકાંત દવેએ જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકની તા. 31-3-21 ના રોજ યોજનાર વાર્ષિક સાધારણ સભા સામે બેંક વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલાએ કોર્ટમાં દાવો દાખલ કર્યો અને તેમાં કોર્ટ દ્વારા આ વાર્ષિક સાધારણ સભા પેટા નિયમ વિરૂઘ્ધ બોલાવાતી હોય તે સાધારણ સભા બોલાવવા સામે મનાઇ હુકમ ફરમાવ્યો છે. સાથે સાથે તે અંગેનો ખુલાસો કરવા માટે બેકના મેનેજરને નોટીસ કરી છે.
આ કેસની હકીકત એવી છે કે જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાનો એજન્ડા બેન્કના ઇન્ચાર્જ મેનેજરે કોઇપણ બોર્ડ ઓફ ડાયરેકટરે મીટીંગ બોલાવ્યા વગર ઇસ્યુ કર્યો અને તે એજન્ડા ખુબ જ ટુંકા ગાળાનો હોય અને એજન્ડાની બજવણી બેંક વાઇસ ચેરમેન સહીતના કોઇ સભાસદોને જાણ કર્યા વગર કરવામાં આવી અને તેમાં પેટા નિયમ સુધારા સહીતના મુદા છે હાલ બેકના ચેરમેન પાસે બહુમતિ ન હોય અને છેલ્લા ઘણા સમયથી બોર્ડ ઓફ ડાય.ની મીટીંગ પણ બોલાવી ન હોય અને પોતાના કાયદા, કાનુન અને પેટા નિયમ વિરૂઘ્ધ ના કૃત્યો બહાલ રાખવા માટે પેટા નિયમથી વિસંગત રીતે બેઠાથાળે અને કોઇ પણ સભાસદો હાજર રહે નહી કે કોઇ વિરોધ કરે નહી તેવા બદઇરાદાથી ખુબ જ ટુંકાગાળાનો એજન્ડા ઇસ્યુ કર્યો હતો. તે અંગેની જાણ થતા બેન્કના વાઇસ ચેરમેન તેમના સહકારી ક્ષેત્રના એડવોકેટ મહેન્દ્ર કે. ફડદુ તથા સતિષ આર. દેથલીયા મારફત દાવો દાખલ કરી સાધારણ સભા રોકવા માટેની અરજી આપી હતી.
બેન્ક વાઇસ ચેરમેન પ્રવીણસિંહ ઝાલાના એડવોકેટ મહેન્દ્ર કે. ફડદુ તથા સતિષ આર. દેથલીયાએ એવી જોરદાર રજુઆત કરી કે જામનગર ડી. કો.ઓપ. બેંકની વાર્ષિક સાધારણ સભા બેન્કના પેટા નિયમ વિરૂઘ્ધ બોલાવવામાં આવી રહી છે. અને તે એજન્ડા ખુબ ટુંકા ગાળાનો છે અને તે તમામ સભાસદોને મળેલ નથી.
કોઇ સભાસદોને વાર્ષિક અહેવાલ સહીતની વિગતો મળી નથી પેટા નિયમ મુજબ એજન્ડા ચોખ્ખા 15 દિવસનો બજાવવો જરુરી છે અને તેનો સીધો જ ભંગ થયો છે. અને જામનગર જિલ્લા બેન્ક મધર બેન્ક છે અને તેની નીચે જામનગર જિલ્લાની ઘણી સહકારી સંસ્થા જોડાયો છે. જો જામનગર જિલ્લા બેંકમાં જો પેટા નિયમનો ભંગ કરીને સાધારણ સભા બોલાવવા ટેવ પડશે તો તેની સાથે જોડાયેલ અન્ય સંસ્થાઓમાં પણ તેવી ટેવ પડશે અનેસહકારી ક્ષેત્રનું માળખું વિખાઇ જશે અને તેવા કૃત્યોથી સંસ્થાના સભાસદોનો વિશ્ર્વાસ ડગી જાય તેવું કૃત્યુ કર્યુ છે અને તેનાથી સહકારી માળખુ જોખમમાં મુકાઇ જાય તેવું કૃત્ય કર્યુ છે જેથી તે તમામ કૃત્ય, કાર્યવાહીઓ રદ કરવા અને અટકાવવા જરુરી છે.
લવાદ કોર્ટના સીનીયર જજ જયકાંત દવે દ્વારા દાવા અરજી જરુરી દસ્તાવેજો સાથે સાથે કાયદાકીય જોગવાઇઓ આપેલ, અદાલતે તમામ પેપર્સ કાયદાકીય પાસાઓ, કામનું રેકર્ડ તપાસતા અને મહેન્દ્ર ફડદુ તથા સતીષ દેથલીયાની ઉપરોકત રજુઆતમાં તથ્ય જણાતા તા. 31-3-21 ની વાર્ષિક સાધારણ સભા બોલાવવા સામે મનાઇ હુકમ ફરમાવ્યો હતો.
આ કામના બેન્કના વાઇસ ચેરમેન પ્રવીણસિંહ ઝાલા વતી રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ મહેન્દ્ર ફડદુ, સુભાષ પટેલ, સતીષ દેથલીયા રેનિસ માકડીયા રોકાયા છે.