બાવળા સ્થિત દીશમાન કંપનીની તરફેણમાં હાઇકોર્ટનો મહત્વનો હુકમ
આગથી 44.06 કરોડના નુકશાન સામે 10.78 કરોડ ચુકવતા સેજપાલ એસોસિએટ મારફતે વિમા કંપની સામે દાદ માંગી’તી
અમદાવાદની દીશમાન કાર્બોજેન એમસીસ લી. નામની દવા બનાવતી કંપની જે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન કરી પુરા વિશ્ર્વમાં સપ્લાય કરે છે તેનો બાવળા સ્થિત પ્લાન્ટમાં સને. 2017માં આગ લાગતા રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કં5નીમાં રૂા.44.06 કરોડનું નુકશાન થયાની જાણ કરેલી. જે બાબતે વિમા કંપનીએ તેમના સર્વેયર મુજબ આ નુકશાન રૂા.10.78 કરોડનું અંદાજવામાં આવેલું હતું. જેથી વિમાની પોલીસીમાં રહેલી શરતો મુજબ બાકી રહેતી રકમ માટે આવા વિવાદનો નિકાલ લવાદ મારફતે કરવા વિમા કંપનીને નોટીસ આપવામાં આવેલી. પરંતુ વિમા કંપનીએ સને. 2019માં તેનો ઇન્કાર કરી એવું જણાવેલું હતું કે જ્યારે તેમના દ્વારા એક વખત રકમ ચુકવી આપવામાં આવેલી છે. પોલિસી ધારક દ્વારા ના-વાંધા પ્રમાણપત્રમાં સહી કરી આ રૂા.10.78 કરોડ સ્વિકાર્યા બાદ હવે કોઇ વિવાદ ઉભો કરી શકાય નહીં જેથી વિમાની પોલિસીમાં રહેલી લવાદની શરત મુજબ પણ લવાદ નિમી શકાય નહીં.
જેથી દીશમાન દ્વારા સેજપાલ એસોસિએટ્સ એડવોકેટ્સ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી લવાદ નિમી આપવા વિનંતી કરેલી. જેમાં બંને પક્ષો દ્વારા અનેક સુપ્રિમ કોર્ટ તેમજ હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કરી આ કાયદાકીય મુદ્ા ઉપર વિગતવાર સુનાવણી કરવામાં આવેલી. અરજદાર દ્વારા તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ રજૂ કરેલા જેમાં લવાદના કાયદામાં સુધારો કર્યા બાદ તેના અર્થઘટન ઉપર સ્પષ્ટતા કરેલું છે.
દલીલના સમર્થનમાં અરજદાર દ્વારા આઇ.આર.ડી.એ ના પરિપત્રો પણ બતાવવામાં આવેલા જેમાં સ્પષ્ટતા કરવામાં આવેલી કે વિમો ધરાવનાર વ્યક્તિ કે કંપની એક વખત વિમા કંપની દ્વારા મંજૂર કરવામાં આવેલી રકમ સ્વીકારે અને તે બાબતે રકમ માટે વિવાદ નથી તેવું માની શકાય નહીં. આ બાબતે પોલિસી ધારકના હિતમાં સ્પષ્ટતા કરતા આઇ.આર.ડી. એ જે સરકારની રેગ્યુલીટી ઓથોરીટી છે તેના દ્વારા પરિપત્ર બહાર પાડીને વિમા કંપનીઓને સુચના પણ આપવામાં આવેલી છે. તેમજ અન્ય પરિપત્રમાં જણાવવામાં આવેલું છે કે આવા ના-વાંધા પ્રમાણપત્ર કે વાઉચર ન્યાયિક પ્રક્રિયામાં રજૂ કરી પોલિસી ધારક સામે તેવો મુદ્ો ઉઠાવી શકાય નહી કે પોલિસી ધારક હવે વધુ વળતરની માંગણી કરવા હક્કદાર નથી.
સુનાવણીના અંતે વિમા કંપની દ્વારા લવાદ નિમવા માટે સંમતિ આપી દેવામાં આવેલી જેથી સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયધિશ મારફતે આ વિવાદનો નિકાલ લાવવા હાઇકોર્ટએ નિમણૂંક કરેલી છે. જેમાં આ તમામ કાયદાના મુદ્ાઓ ઉપર નિર્ણય કરી શકાશે.