ગોંડલ રોડ અને માધાપર પાસે વાંધાજનક જમીન સસ્તામાં આપવાનું કહી પાંચ શખ્સોએ કરી છેતરપિંડી
અબતક,રાજકોટ
શહેરના ગણેશપાર્કમાં રહેતા ખેડૂતને રાજકોટની અલગ અલગ વાંધાજનક જમીન બતાવી નકલી બાનાખત અને પાવતી બનાવી ભીમથળ ગામના ગઠિયા સહીત પાંચ શખ્સોએ રૂ.50 લાખ પડાવી લીધાની ફરિયાફ પોલીસમાં થતા પોલીસે ભીમથળ ગામના ગઠિયાને પકડી પાડી અન્યની શોધખોળ હાથધરી છે.
આ અંગે મોરબી રોડ પર રહેતા જિતેન્દ્રભાઇ વાલજીભાઇ નાથાણી ( ઉ.વ.46)એ ફરિયાદમાં આરોપી તરીકે પાટણનાના ભીમથળના ભીખા અમૃતલાલ સાધુ, પટેલ હરિલાલ વાઘજી, મહેતા સુરેશ ડાહ્યા, ઠાકોર ચેહુજી બાબુજી અને ઠક્કર રતિલાલ હરિના નામ આપ્યા હતા. ખેતીની જમીન ખરીદ કરવી હોય તેના ભાઇના મિત્ર મારફત ભીખા સાધુનો પરિચય થયો હતો. ભીખાએ ગોંડલ રોડ તથા માધાપર ચોકડી પાસેની જમીન બતાવી તે વેચાઉ છે અને તેના મારફત જમીન માલિક વેચવા ઇચ્છે છે કહી જિતેન્દ્રભાઇ સાથે સોદા શરૂ કર્યા હતા.ભીખાએ રચેલા કાવતરામાં હરિલાલ પટેલે ગોંડલ રોડ પરની જમીનનું બનાવટી બાનાખત કરાર કરી આપ્યો હતો, સુરેશ મહેતાએ પણ ગોંડલ રોડ પરની જમીનનો, ચેહુજી ઠાકોર અને રતિલાલ ઠક્કરે પણ એ જ વિસ્તારની અલગ અલગ જમીનના બાનાખત કરાર કરી આપ્યા હતા અને જિતેન્દ્રભાઇ પાસેથી રૂ.50 લાખ પડાવ્યા હતા. આરોપીઓ દ્વારા આપેેલા બાનાખત કરાર અને પાવતી નકલી હોવાનું સ્પષ્ટ થતાં જિતેન્દ્રભાઇને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે ગુનો નોંધી ભીમથળ ગામના ભીખા સાધુને ઝડપી અન્ય ચારની શોધખોળ હાથ ધરી છે.