તાજેતરમાં જ રાજકોટની એક ખાનગી કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓને ટ્રાન્સફર સર્ટિફિકેટ ન આપવાની ફરિયાદ ઉઠી હતી, છતા હજુ સુધી કોઇ કાર્યવાહી નહિં
રાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળની મોટાભાગની ખાનગી કોલેજ દ્વારા પોતાની મનમાની ચલાવતી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામ આવ્યા બાદ કોલેજોમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓનો ભારે ઘસારો જોવા મળે છે. હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ જ છે. ત્યારે મોટાભાગની કોલેજોમાં પ્રવેશ પૂર્ણ થઇ ગયા છે. જો કે, બીજી બાજુ એવી પણ વાત સામે આવે છે કે પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓ પાસેથી બાંહેધરી લેવામાં આવે છે કે ત્રણ વર્ષ સુધી તેઓને ટ્રાન્સફર સર્ટિફિકેટ નહિં મળે અને તેના અસલ પ્રમાણપત્રો પણ કોલેજો પોતાની પાસે દબાવીને રાખશે.
મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓ જ્યારે ખાનગી કોલેજમાં એડમિશન માટે જાય ત્યારે તેના અસલ દસ્તાવેજોની માત્ર ખરાઇ કરવાની હોય છે. પરંતુ અમૂક કોલેજ દ્વારા વિદ્યાર્થીના અસલ દસ્તાવેજો રાખવામાં આવે છે. બાદમાં બે-બે વર્ષ સુધી તેને પરત આપવામાં આવતા નથી. આ ઉપરાંત કોઇ વિદ્યાર્થીને એક વર્ષ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ બીજા વર્ષે કોલેજ બદલવાની હોય તો અમૂક કોલેજો ટ્રાન્સફર સર્ટિફિકેટ પણ ન આપતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે વિદ્યાર્થી મુંજવણમાં મુકાઇ છે અને તેની પાસે કોઇ રસ્તો રહેતો નથી. ત્યારે આ બાબતે હવે કોઇ વિદ્યાર્થી સંગઠન કે વિદ્યાર્થી સત્તાધીશોને સામે લડત માંડે તે જરૂરી બન્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ચાર વર્ષમાં અનેક વાદ-વિવાદથી ઘેરાયેલી રહી છે. એકબાજુ સત્તાધીશો યુનિવર્સિટીમાં તમામ કામો સુદ્રઢ રીતે ચાલતા હોય તેવી વાતો કરે છે. બીજી બાજુ યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ હેરાન થાય છે. તેના પ્રશ્ર્ને કોઇ ધ્યાન પણ ન દેતું હોય તેમ સત્તાધીશો પણ એકબીજાને ખો દેતા હોય તેવું લાગી રહ્યું છે.
હવે જ્યારે ઘણી બધી કોલેજો એવી છે કે જે વિદ્યાર્થીઓને ટ્રાન્સફર સર્ટિફિકેટ કે અસલ દસ્તાવેજો આપતા નથી અને પોતાની પાસે દસ્તાવેજો બે-બે વર્ષ સુધી દબાવીને બેસે છે. ત્યારે આ બાબતે કોલેજો સામે નક્કર કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
વિદ્યાર્થીઓની ફરિયાદ આવ્યા બાદ નક્કર કાર્યવાહી કરીશું: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોટાભાગની કોલેજોમાં વિદ્યાર્થીઓને જ્યારે ટીસી કે તેમના ઓરિજનલ દસ્તાવેજો આપતા ન હોય આ વાતની ‘અબતક’ મીડીયા પાસે મૌખિક ફરિયાદ આવતા કુલપતિનો સંપર્ક સાધવા આવ્યો તો તેઓએ જણાવ્યું કે હજુ સુધી યુનિવર્સિટી પાસે ફરિયાદો આવી નથી. વિદ્યાર્થીઓની ફરિયાદ આવ્યા બાદ આવી કોલેજો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને યુનિવર્સિટીનો 2015નો પરિપત્ર ફરીથી કોલેજોને મોકલવામાં આવશે.