- અરવલ્લીમાં 10 વર્ષની બાળકીનું 16 વર્ષના કિશોરે કર્યું અપહરણ, હવે પગ નીચેથી જમીન ખસી જાય તેવી હકીકત ખુલી
- અરવલ્લીના ધનસુરામાં 10 વર્ષની બાળકીનું અપહરણ
- 16 વર્ષના સગીર પ્રેમી સાથે ભાગી જવાનો ખુલાસો
- બંને વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો
- બાળકી સાથે દુ*ષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું
- પોલીસ દ્વારા વાલીઓને સજાગ રહેવાની અપીલ
- અરવલ્લી : ધનસુરા પંથકમાં 10 વર્ષની કિશોરીનું અપહરણ કરનાર કિશોરની અટકાયત
- કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે દુ*ષ્કર્મ આચર્યું હોવનો ઘટસ્ફોટ
- કિશોરને પોલીસે ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે લઇ જવાયો
ભારતીય સમાજમાં સોશિયલ મિડિયાનો વપરાશ કૂદકે ને ભૂસકે વધ્યો છે, ખાસ કરીને બાળકોમાં સોશિયલ મિડિયાનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે. વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો બન્યો છે. અરવલ્લીમાં 16 વર્ષના કિશોરે 10 વર્ષની તરુણીનું અપહરણ કર્યું છે. આ ઉપરાંત એ કિશોરે તરુણી પર દુ*ષ્કર્મ કર્યાનો ખુલાસો પણ થયો છે. બાળકી અને કિશોરનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલ 16 વર્ષના કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. આ કિસ્સા પરથી ગુજરાત પોલીસે માતાપિતાને સજાગ રહેવા અપીલ છે.
Shocking case in Aravalli: અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે વાલીઓની ચિંતા વધારી દીધી છે. ગત 31 ડિસેમ્બરના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ખૂબ જ આઘાતજનક હતો.
શું હતી ઘટના
પોલીસ દ્વારા ભોગ બનનાર બાળકીના માતા-પિતાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બાળકી અને તેની સગીર બહેન તેમની માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી. બંને બહેનોએ મોબાઈલમાં કુલ 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા, જેમાંથી 5 બંધ છે અને 2 ચાલુ હતા. આ બે ચાલુ એકાઉન્ટમાંથી, 10 વર્ષની બાળકી 16 વર્ષના એક સગીરના સંપર્કમાં આવી હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે બાળકીનું અપહરણ આ સગીર દ્વારા જ કરવામાં આવ્યું હતું.
પોલીસની કાર્યવાહી
પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી બંનેને શોધી કાઢ્યા હતા. જો કે, આ કેસમાં વધુ ગંભીર બાબત એ સામે આવી કે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. બંનેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે અને કિશોરને મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયાનો દુરુપયોગ
આ ઘટના સોશિયલ મીડિયાના દુરુપયોગ અને બાળકો પર તેની અસર પર ગંભીર ચિંતા ઊભી કરે છે. નાની ઉંમરમાં બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાની અમર્યાદિત ઍક્સેસ આપવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.
વાલીઓ માટે ચેતવણી
આ ઘટના વાલીઓ માટે એક ચેતવણી સમાન છે. બાળકોના ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. બાળકો કયા લોકોના સંપર્કમાં છે, કઈ વેબસાઈટ અને એપ્સનો ઉપયોગ કરે છે તે જાણવું અત્યંત મહત્વનું છે. વાલીઓએ બાળકો સાથે સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ વિશે વાત કરવી જોઈએ અને તેમને ઓનલાઈન જોખમો વિશે જાગૃત કરવા જોઈએ.
અહેવાલ : ઋતુલ પ્રજાપતિ