કોરોના જેવા અનેક વાયરસ કે અન્ય કોઈ બીમારી જેની સામે આપણે લડી પણ લઈએ…. પરંતુ આ મહામારી કરતા પણ વધુ એક મોટો ખતરો માત્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વ પર તોળાઈ રહ્યો છે. અને તે છે ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીનું વધતું જતું તાપમાન…!! આ એક વૈશ્વિક અને જટિલ એવો પડકાર છે કે જેની સામે કોઈ પગલાં ભરી તેને રોકીશું નહીં તો સમગ્ર પૃથ્વી નષ્ટ થઈ જશે… સજીવ સૃષ્ટિ નાશ પામશે. હાલના સમયે ચક્રવાત, વાવાઝોડાં અને ધરતીકંપ જેવા બનાવો વધુ બની રહ્યા છે તો શા માટે ? માત્ર આ કુદરતી આપદા જ નહીં કોરોના આવવા પાછળ પણ પ્રત્યક્ષ કે પરોક્ષપણે આ ગ્લોબલ વોર્મિંગ જ જવાબદાર છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે અરબસાગરનું ભૂ તાપમાન 1.4 C વધ્યું
અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર પર મોટા ખતરાની ઘંટડી
‘અરેબિયન સી’ સૌરાષ્ટ્ર-ગુજરાત પર ‘આંધી’ લ્યાવશે?
ગ્લોબલ વોર્મિંગને કારણે આપણે ધારી પણ ન શકીએ એવો ખતરો સૌરાષ્ટ્ર-ગુજરાત પર તોળાઈ રહ્યો છે. દેશના દક્ષિણ અને પશ્ચિમી ઘાટમાં ભારે ભવન, ધોધમાર વરસાદ તો વાવાઝોડું સાથેના કુદરતી આપત્તિના બનાવો ખૂબ વધતા જઈ રહ્યા છે. એક સમયે ચક્રવાતનું મોટું કેન્દ્ર બિંદુ બંગાળની ખાડીને જ ગણવામાં આવતું હતું. પરંતુ હવે બંગાળની ખાડીનું સ્થાન જાણે અરબસાગર લઈ રહ્યો હોય તેમ સ્થિતિ સર્જાઈ છે. અરેબિયન સીનું તાપમાન સતત વધતુ જઈ રહ્યુ છે. ઉર્જા પર્યાવરણ અને પાણી ક્ષેત્રની કાઉન્સિલ-સીઈઈડબ્લ્યુના એક અહેવાલ મુજબ છેલ્લા 20 વર્ષમાં અરબ સાગરના તાપમાનમાં 1.2 થી 1.4 (સેલ્સિયસ)નો વધારો જોવા મળ્યો છે. જે સૌરાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠા માટે એક મોટા ખતરા સમાન છે.
અરેબિયન સીના તાપમાનમાં વધારો સૌરાષ્ટ્રની મૌસમને બૈમાન બનાવી દે તો નવાઈ નહીં..!! શું અરબસાગ હવે સૌરાષ્ટ્ર ગુજરાત પર આંધી લઈ આવશે ? આનો જવાબ સીઈઈડબ્લ્યુના અહેવાલ અનુસાર હા છે…. કારણ કે રિપોર્ટમાં કાઉન્સિલે સ્પષ્ટ ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે અરબ સાગરના વધતા જતા તાપમાનથી સૌથી વધુ ખતરો અમરેલી, ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર પર તોળાઈ રહ્યો છે. આનાથી આગામી સમયમાં અરબ સાગરમાં ઉત્પન્ન થતા ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત આ ચાર જિલ્લા થશે. અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડાનો સામનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોએ કરવો પડી શકે છે.
કાઉન્સિલે અરબી સમુદ્ર પવનની ગતિ 220 કિમી પ્રતિ કલાકની ઝડપે વર્ષ 1998માં ત્રાટકેલા કંડલા વવાઝોડાનો હવાલો આપતા કહ્યું કે આવા જ મજબૂત અને ભયાનક વાવાઝોડાં માટે ગુજરાત એક કેન્દ્ર બિંદુ બની રહ્યું છે. કંડલા ચક્રવાત એટલું ભયાનક હતું કે તે ઘટનાને યાદ કરી આજે પણ હૃદય કંપી ઊઠે છે. પણ હવે આગળ શું થશે ? તેની સ્થિતિ માટે પર્યાવરણને સુસંગત અને ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડે તેવા પગલાં લેવા ખૂબ જરૂરી બન્યા છે. કાઉન્સીલે જણાવ્યું છે કે વર્ષ 1970 અને 2019ની વચ્ચે ચક્રવાતનું જોખમ ત્રણ ગણું વધી ગયું છે. આ ચિંતાજનક સંકેતો છે.
સીઇઇડબ્લ્યુના પ્રોગ્રામ લીડ અબિનાશ મોહંતી કહે છે કે આ અંદાજ સૂચવે છે કે છેલ્લા બે દાયકામાં અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 1.2-1.4 ઓ સે વધ્યું છે, જેનાથી પશ્ચિમ કિનારે ચક્રવાતની ઘટનાઓની આવર્તન વધી છે. તાજેતરમાં ત્રાટકેલા તાઉતેએ આત્યંતિક આબોહવાની ઘટનાઓ પ્રત્યે એક ભયંકર રીમાઇન્ડર આપ્યું છે. નેચર (એશિયા) જર્નલમાં પ્રકાશિત થયેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે 2014માં નિલોફર, 2015માં ચાપાલા અને મેઘ, 2019માં વાયુ, 2020માં નિસર્ગા અને આ વર્ષે તાઉતેએ અરબી સમુદ્રમાં ચક્રવાતની ગણતરીમાં ઝડપથી વધારો દર્શાવ્યો છે. આ વધુ જતું તાપમાન માત્ર અરબી સમુદ્રના ઉપરના સ્તરોમાં જ નહીં, પણ સમુદ્રના નિચાણવાળા સ્તરોમાં પણ ખતરારૂપ છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ગ્રાફીના વૈજ્ઞાનિક એસ. પ્રસન્ના કુમારે તેમના અધ્યયનમાં દાવો કર્યો છે કે અરબી સમુદ્ર 1960 થી 2011 સુધી દર વર્ષે 10.1 મિલિગ્રેડના સરેરાશ દરે ગરમ થઈ રહ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતના 29 જેટલા જિલ્લાઓમાં ચક્રવાત, પૂર અને દુષ્કાળ જેવી આત્યંતિક વાતાવરણની ઘટનાઓ ખૂબ સામે આવી છે. 1970 અને 2019 ની વચ્ચે રાજ્યમાં દુકાળ નવ ગણો વધી ગયો છે. રાજ્યના દુષ્કાળનાં કેન્દ્રોમાં અમદાવાદ, ભરૂચ, જામનગર, ખેડા, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થાય છે. વળી, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં પૂરની ઘટનાઓ ચાર ગણી વધી છે. મુખ્ય પૂર હોટસ્પોટ્સમાં આણંદ, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, સુરત અને વડોદરા જિલ્લાઓનો સમાવેશ છે.