કાળી અંધારી રાત પછી તેજસ્વી સૂર્યોદય અને દુ:ખ બાદ સુખની પ્રાકૃતિક પરંપરા કાયમ યથાવત રહે છે. એક દરવાજા બંધ થાય તો અનેક ખુલી જવાની કહેવતમાં પ્રકૃતિ અને કુદરત લઈને દેવામાં કયારેય કચાસ રાખતું નથી. અત્યારે કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં અનેકને સ્નેહીઓ ગુમાવ્યાનો આઘાત મળ્યો છે પરંતુ માનવતા, સમાજ સેવા અને કપરી ઘડીએ કામ આવવાની માનવતાએ અનેક નવા સંબંધોમાં પ્રાણ પુરીને સમાજને જાગતુ કરી દીધું છે.
કોરોનાની આ મહામારીમાં જ્યારે કુદરત રૂઠયુ છે ત્યારે આભ ફાંટ્યુ હોય ત્યાં થીંગડુ ક્યાં દેવા જવું જેવી પરિસ્થિતિમાં દુ:ખના વરસી રહેલા ડુંગરાઓમાં કોણ-કોનો હાથ પકડે અને કોણ કેને સાંત્વના આપે તે વિચારવાનો પણ સમય નથી. ચારેકોર સ્વજનોની મુશ્કેલી, તબીયત અને પરિવારની ચિંતા મોતના માતમ, આર્થિક, સામાજીક, પ્રતિકુળતા અને મહામારીથી ચારેકોર જે દુ:ખ અને ડુસ્કા અને સંવેદનાના માહોલમાં માનવીઓ રગદોળાઈ રહ્યાં છે ત્યારે અંધારામાં પ્રકાશની જેમ પ્રજવ્વલીત થઈ ઉઠેલી માનવતા અને માનવ માટે કોઈપણ જોખમ લઈને પણ માનવ સેવા માટે ઝઝુમતા કોરોના વોરીયર્સ, તબીબો, આરોગ્ય કર્મચારીઓથી લઈને એમ્બ્યુલન્સ સ્ટાફ, નર્સ અને સ્મશાનમાં જ્યારે લાકડા ખુટી પડે તેટલા અંતિમ સંસ્કારોના માહોલમાં કોઈ કોઈને અગ્નિદાહ દેવા પણ સ્વાયત નથી તેવા સંજોગોમાં દર્દીઓ સાથે આત્મા મિલાવીને કોરોના વોરીયર્સ બનેલા આરોગ્ય કર્મચારીઓ ડોકટર, નર્સ, 108ની ટીમ અત્યારે કોરોનાના દૈત્ય સામે જે રીતે જંગ કરી રહી છે તે કોરોનાના દર્દીઓ માટે અને સ્વજનો ગુમાવનારાઓ માટે એક ગૌરવની મિશાલ બની રહ્યાં છે. ઘણા સ્વજનોને આ મહામારી ગળી ગઈ છે પરંતુ કોરોનાના આ કપરાકાળમાં અનેક નવા સંબંધો જીવંત થયા છે. જેમાં કોઈની ઓળખાણ, કોઈની ભલામણ કે ઉપકાર, ઋણ ચૂકવણીના હિસાબ-કિતાબ કર્યા વગર અજાણ્યા દર્દી હોય કે, કોરોનામાં સપડાયેલાઓના સગા મદદ માટે રઝડતાઓનો હાથ પકડી મોતમાંથી સ્નેહીજનોને બચાવવા માટે કામ કરતા કોરોના વોરીયર્સ દરેકના પોતિકા બની ગયા છે.
હોસ્પિટલને જ ઘર અને સ્ટાફ તેમજ દર્દીઓને પરિવાર બનાવીને કોરોના વોરીયર્સ જે રીતે કામ કરી રહ્યાં છે તે માનવતાના ઈતિહાસમાં એક મિશાલ બની રહેશે. ઘણી એવી વ્યક્તિઓ કે જે પોતાના કામમાં જ વ્યસ્ત રહેતી જણાય છે. પોતાના નોકરી અને ફરજ ભલી અને પોતે ભલા તેવા અનેક વ્યક્તિત્વનો માનવતાનો ચહેરો આ મહામારીમાં ઉજળો બન્યો છે. કોરોના વોરીયર્સ તરીકે સેવા આપતા દરેકવર્ગના જવાબદાર અત્યારે માનવ જાતના ખરા સારથી બની રહ્યાં છે. આવા પ્રેમાળ સેવકોના સંબંધીઓ દરેક બની રહ્યાં છે. ન ઓળખાળ ન વ્યવહાર અને કોઈની ભલામણ ન હોવા છતાં ખાટલામાં પડેલા દર્દીની ઘરનાઓની જેમ જ સેવા કરનારા કોરોના વોરીયર્સના સંબંધોની સુવાસ આ યુગની એક સુવર્ણ હકીકત બની રહેશે. જેમાં કોઈ કોઈની ઓળખાણની પરવાહ કર્યા વગર માત્રને માત્ર માનવતાને બચાવવા માટે જાનનું જોખમ પણ હસતા હસતા લઈ રહ્યાં છે. આ સમય તો વીતી જશે પણ સેવા યાદ રહેશે.