નાના વેપારીઓને ધંધા-રોજગારમાં પુર્વવત કરવા અપાઇ રહી છે રૂ.૧ લાખની લોન
કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક મહામારીને લીધે લોકડાઉન દરમ્યાન ધંધા-રોજગારને વિપરીત અસર થઇ છે. ગુજરાત સરકારે નાના વ્યવસાયકારોને બેઠા કરવા આત્મનિર્ભર ગુજરાત યોજના જાહેર કરી છે. રાજકોટ જિલ્લામાં આ યોજના અંતર્ગત નાના વેપારીઓને રૂ. ૧ લાખની લોન માત્ર ૨ ટકાના વ્યાજના દરે આપવાનું અભિયાન ચાલુ છે.
સહકારી રજીસ્ટ્રાર ટી.સી. તિરથાણીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં સરકારની આત્મ નિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજકોટ જિલ્લા નાગરિક સહકારી બેંક સહિતની સહકારી બેંકો અને શરાફી મંડળીઓ દ્વારા કુલ ૨૪૦ લોનની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં આ યોજના અંતર્ગત ૬૦,૦૦૦ ફોર્મ વિવિધ વ્યવસાયકાર દ્વારા રજુ કરવામાં આવ્યા છે. રાજકોટની સહકારી બેંકો અને શરાફી મંડળીઓ દ્વારા વધુંને વધું લોકોને લોન મળે તે માટે આ કામગીરી ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી દ્વારા આ કામોનું સંકલન કરવામાં આવી રહયું છે.