કરોડોની મિલકત બળજબરીથી લખાવી લીધાનો ૨૭ સામે ગુનો નોંધાયો ‘તો
કરોડો રૂપિયાના વ્યાજના વિષચક્રમાં ફસાવીને મોતનો ભય દેખાડી મિલકતો પચાવી પાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ૨૭ વ્યકિતઓ વિરુઘ્ધ નોંધાયેલ ફરિયાદના અનુસંધાને બે શખ્સોના આગોતરા જામીન મંજુર થયેલ છે.
બનાવની વિગત મુજબ કેશવ રેસીડેન્સીમાં રહેતા શૈલેષભાઈ વલ્લભભાઈ સિદપરાએ તા.૧૬/૦૬/૧૮ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ૨૭ વ્યકિતઓ વિરુઘ્ધ પૂર્વયોજિત કાવતરું રચી ફરિયાદીની મિલકતો પચાવી પાડવાનો સમાન ઈરાદો રાખી ફરિયાદીને અલગ અલગ સમયે અલગ અલગ મોટી રકમો ઉંચા અને ચક્રવૃતિ વ્યાજે આપી આરોપીઓએ બળજબરીથી ધાક-ધમકી આપી ફરિયાદીના કોરા સહીવાળા ચેક, ખેતીની જમીનો, રહેણાકના મકાન, દુકાનોના સાટાખત-દસ્તાવેજો કરી લઈ ફરિયાદી સાથે વિશ્વસઘાત તથા છેતરપિંડી કરી વ્યાજની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીને ગાળો આપી ફરિયાદીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા અંગેની ફરિયાદ નોંધાવેલ.
જે ફરિયાદના અનુસંધાને આરોપીઓ પૈકી રાજકોટમાં સ્ટાર ચેમ્બર, હરિહર ચોક ખાતે ઓફિસ ધરાવતા રાજુભાઈ ઉર્ફે પ્રમોદગીરી પ્રેમગીરી ગોસ્વામી તથા હિતેશકુમાર ભગવાનગીરી ગોસ્વામી દ્વારા રાજકોટના એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ અદાલત સમક્ષ આગોતરા જામીન અરજી કરેલ હતી.
આ અરજી અન્વયે બંને પક્ષની લંબાણપૂર્વકની દલીલો તેમજ રજુઆતો બાદ અદાલત એવા તારણ ઉપર આવેલ હતી કે ગુન્હાના તમામ આરોપીઓનો ફરિયાદીની મિલકતો પચાવી પાડવાનો સમાન ઈરાદો હોવાનું રેકર્ડ ઉપરથી ફલિત થતું નથી. વધુમાં બનાવના ૬ વર્ષ બાદ ફરિયાદીએ પોતાની હાલની ફરિયાદમાં ગંભીર સ્વપ આપવા અલંકારિક ભાષામાં વર્ણન થયું છે.
તે ઉપરાંત ફરિયાદીએ ૨૭ આરોપીઓ પાસે મિલકત ગીરવે અથવા સિકયુરીટી પેટે આપેલ હોય તે વ્યાજબી જણાતું નથી કારણકે ફરિયાદી ધારત તો પોતાની કોઈ એકાદ બે મિલકત વહેંચીને પોતાની આર્થિક તંગી દુર કરી શકે તેમ હતા પરંતુ ફરિયાદીએ પોતાની એક પણ મિલકત વહેંચેલ નથી તેથી આરોપીઓ સામેના આક્ષેપો ભરોસાપાત્ર નથી તેવી દલીલોને ગ્રાહ્ય રાખી ઉપરોકત બંને અરજદાર-આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવેલ છે. આ કામના બંને અરજદારો વતી વકિલ તરીકે સમીર જોશી તથા ભાવદીપ દવે રોકાયા હતા.