ચેરમેન પી.જી.ક્યાડા દ્વારા સિંચાઇ, બાંધકામ અને રજીસ્ટ્રી શાખાના 16 કામોને મંજૂરીની મહોર
રાજકોટ જિલ્લા પંચાયતના ચેરમેન પી.જી.ક્યાડાના અધ્યક્ષસ્થાને આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં રૂ.24.23 કરોડના 16 વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. સિંચાઇ શાખા, બાંધકામ શાખા અને રજીસ્ટ્રી શાખાના કામો બહાલ કરાયા છે.
આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પી.જી.ક્યાડાએ જણાવ્યું હતું કે આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં સિંચાઇ વિભાગના બે કામોના ટેન્ડર પ્રસિદ્વ કરવા રૂ.80.91 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે સિંચાઇના અલગ-અલગ બે કામો માટે રૂ.1.01 કરોડના ખર્ચને વહિવટી મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય એક કામ માટે વાર્ષિક ભાવ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાંધકામ શાખાના અલગ-અલગ 10 કામો મંજૂર કરાયા છે. જેમાં પડધરી, લોધિકા, ઝીલતર, ફૂલઝર, લાલાવદર, વનાળા, ભાયુભાના દોમડા, મોટી પરબડી, દડવી અને મોટા હડમતીયા, કોલીથડ સહિતના રાજમાર્ગો માટે રૂ.22.39 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની રજીસ્ટ્રી શાખામાં રૂ.1.50 લાખની મર્યાદામાં એક નવું પ્રિન્ટર્સ તથા નવું કોમ્પ્યૂટર ખરીદ કરવા માટેની પ્રક્રિયાને પણ બહાલી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના રેસકોર્ષ સ્થિત આવેલી જિલ્લા પંચાયતની કચેરીનું નવું બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે જિલ્લા પંચાયતની કચેરી સિવિલ હોસ્પિટલ ચોક પાસે આવેલી જૂની કોર્ટ બિલ્ડીંગ સિફ્ટ કરવામાં આવી છે. જ્યાં આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી.