૩૫ જેટલી ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગના કામોને મંજૂરી : સિંચાઈ અધિકારી ગેરહાજર રહેતા કાર્યવાહીની લટકતી તલવાર
મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી બેઠકમાં રૂ.૪૭૯.૭૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું.જ્યારે ૩૫ જેટલી ગ્રામ પંચાયતના બિલ્ડીંગને નવા બનાવવાના કામને મંજુરી આપવામાં આવી હતી.જયારે આ બેઠકમાં સિંચાઈ અધિકારી ગેરહાજર રહેતા તેમના સામે કાર્યવાહી તોળાઈ રહી છે.ઉપરાંત બે સમિતિમાં નામોમાં ફેરફાર થતા ડી.ડી.ઓને રજુઆત કરાઈ છે.
કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં આજે કારોબારીની બેઠક મળી હતી.જેમાં કારોબારી ચેરમેન હેમાંગ રાવલ, ડીડીઓ, ડે. ડીડીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં આગામી ૨૦૧૯ -૨૦નું નવું સુધારેલું રૂ.૪૭૯.૭૦ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું.જેમાં સ્વંભંડોળની સિલક રૂ.૧૦.૯૭ કરોડ છે.૨૦૧૯-૨૦માં રૂ.૫.૬૭ કરોડ મળી કુલ રૂ.૧૬.૬૫ કરોડની આવક થવાનું દર્શાવાયું છે.જ્યારે સ્વભંડોળના રૂ.૧૦.૨૫ કરોડમાં ખર્ચ બાદ કરતાં રૂ.૬.૩૯ કરોડની બંધ સિલક દર્શાવાય છે.ઉપરાંત બજેટમાં સામાન્ય વહિવટ ક્ષેત્રે રૂ.૧૨૭.૩૦ લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે રૂ.૫.૨૦ કરોડ ,શિક્ષણ ક્ષેત્રે રૂ.૭૫.૩૩ લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂ.૧૪.૧૦ લાખ, ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે રૂ.૧૫.૮૫ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.૪૫ લાખ, કુદરતી અફતોને પહોંચી વળવા રૂ.૫ લાખ, સિંચાય ક્ષેત્રે રૂ.૧૮.૭૫ લાખ, બાંધકામ ક્ષેત્રે રૂ.૧૨૦.૨૦ લાખ અને પ્રકિણ યોજનાઓ માટે રૂ.૮૨ લાખની જોગવાઈ કરવામાં આવી છે.