વોર્ડ નં.10માં નાના મવા મેઈન રોડ પર ટી.પી.ના 9 પ્લોટ કંપાઉન્ડ વોલથી સુરક્ષીત કરાશે : જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચનાને પણ લીલીઝંડી
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને મળેલી સ્ટે.કમીટીની બેઠકમાં તમામ 24 દરખાસ્તોને મંજુરીની મ્હોર મારી રૂા.8.30 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. પર્યાવરણની રક્ષા માટે જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના કરવાની દરખાસ્તને પણ બહાલી આપવામાં આવી છે. સિન્થેટીક ટેનીસ કોર્ટ ભાડે આપવાથી અને વાહનનો ભંગાર વેચવાથી મહાપાલિકાને રૂા.24.80 લાખની આવક થવા પામશે.આજે મળેલી સ્ટે.કમીટીની બેઠકમાં વોર્ડ નં.10માં ટી.પી.સ્કીમ નં.20 (નાના મવા) ના શાસ્ત્રીનગરની સામે આવેલા અલગ અલગ ટી.પી.ના 9 રિઝર્વેશન પ્લોટને કંપાઉન્ડ વોલ તથા ચેનલીંક કંપાઉન્ડ વોલ બનાવવા માટે રૂા.22.97 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઈન રોડ પર આવેલી વામ્બે આવાસ યોજનામાં બાકી રહેતી ખુલ્લી જગ્યામાં પેવીંગ બ્લોક નાંખવા રૂા.23.56 લાખ મંજુર કરાયા છે. વોર્ડ નં.11માં અબિકા ટાઉનશીપમાં મવડી ટી.પી.સ્કીમ નં.26ના ફાઈનલ પ્લોટ નં.13/એ માં બગીચો બનાવવા માટે રૂા.36.35 લાખનો ખર્ચ મંજુર કરાયો છે. સેન્ટ્રલ ઝોનમાં વોંકળાની સફાઈ ફુલ ટાઈમ કામદારો મારફત કરવવા ત્રિવાર્ષિક કોન્ટ્રાકટ આપવા રૂા.40 લાખ મંજુર કરવામાં આવ્યા છે. વોર્ડ નં.7માં મનહર પ્લાટે શેરી નં.10માં બોકસ કલવર્ટ બનાવવા માટે રૂા.12.69 લાખ મંજુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સુચવવામાં આવેલી જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની પણ રચના કરવામાં આવી છે.
કલોરીન લીકેજની સમસ્યા થશે હલ : પીવાનું અને સ્વિમીંગપુલનું પાણી હવે વેકયુમ સિસ્ટમથી કોલોરીનેશન
પાણીના ટાંકા અને સ્વિમીંગપુલ સહિત 32 જગ્યાએ ફીડકલોરીનેશન, કલોરીન લીક, ઓટો સટઓફ સિસ્ટમ માટે 4.86 કરોડનો ખર્ચ મંજુર
હાલ મહાપાલિકા દ્વારા અલગ અલગ ઈએસઆર-જીએસઆર અને સ્વીમીંગ પુલમાં ગ્રેવીટી આધારિત સિસ્ટમ દ્વારા પાણીનું કલોરીનેશન કરવામાં આવે છે. જેના કારણે કલોરીન લીંકેજ થવાની અને કયારેક પાણીમાં કલોરીનેશન વધી જવાની સમસ્યા ઉભી થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે હવે મહાપાલિકા દ્વારા વેકયુમ સિસ્ટમ દ્વારા પાણીનુ કલોરીનેશન કરવામાં આવશે. શહેરના સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન, સ્વિમીંગપુલમાં કમીશ્નીંગ ઓફ વેકયુમ ફીડકલોરીનેશન સિસ્ટમ, કલોરીન લીક સીસ્ટમ અને કલોરીન ટર્નર રૂટ વાલ્વનું ઓટો સટ ઓફ સીસ્ટમ કરવા માટે આજે સ્ટેન્ડીંગમાં રૂા.4.86 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમનું પાંચ વર્ષ માટે ઓપરેશન અંને મેન્ટેનન્સ પણ કંપની દ્વારા કરવામાં આવશે. આ કામ માટે પ્રસિધ્ધ કરવામાં આવેલા ટેન્ડરમાં કુલ ત્રણ એજન્સીઓએ ઓફર આપી હતી. જેમાં અમદાવાદની રાજ બિલ્ડર્સ પ્રા.લી., સૂરતની ઈકવીપ્મેન્ટ પ્રા.લી. અને મુંબઈની કેપ્કોપ વોટર સોલ્યુશન દ્વારા ભાવ આપવામાં આવ્યા હતાં. જેમાં સુરતની કલોરોટેક ઈકવીપ્મેન્ટ પ્રા.લી. આ કામ 2.10 ટકા ઓછા ભાવે રૂા.4.86 કરોડમાં કરી આપવાની તૈયારી દર્શાવતાં સ્ટે.કમીટી દ્વારા કોન્ટ્રાકટ આપવાની દરખાસ્તને બહાલી આપી છે. વેસ્ટ ઝોનમાં ઈએસઆર જીએસઆર સ્વિમીંગ પુલમાં આ સિસ્ટમ માટે આગામી દિવસોમાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.
સ્ટે.ચેરમેનનાં વોર્ડની તમામ આવાસ યોજનામાં 81 લાખના ખર્ચે નખાશે પેવીંગ બ્લોક
આજે મળેલી સ્ટે.કમીટીની બેઠકમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં પેવીંગ બ્લોક નાંખવા માટે રૂા.1.56 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનાં મત વિસ્તાર એવા વોર્ડ નં.9માં ઈન્ડીયન પાર્ક આવાસ યોજના, જનકપુરી આવાસ યોજના, નંદન વન આવાસ યોજના અને રૈયા રોડ આવાસ યોજનામાં ઈન્ટર લોકીંગ પેવીંગ બ્લોક નાંખવા માટે રૂા.80.95 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઈન રોડ પર વામ્બે આવાસ યોજનામાં પેવીંગ બ્લોક નાંખવા માટે રૂા.26.53 લાખ અને વોર્ડ નં.9માં પટેલ ક્ધયા છાત્રાલય ટી.પીરોડ પર પેવીંગ બ્લોક નાખવા માટે રૂા.32.53 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.