વઢવાણનાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ દ્વારા રાજય સરકારમાં રજુઆત કરી હતી. વઢવાણ તાલુકામાં લાખો રૂપિયાના કામો ૨૦૧૮-૧૯માં શરૂ થશે. જેમાં વઢવાણ તાલુકાનાં બિસ્માર રસ્તાઓને રીપેરીંગ અને નવા બનાવવા માટે રૂ.૯૦૦ લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ નાના કેરાળા અને ખારવા ગામને જોડતા રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે. આથી આ વિસ્તારનાં ૫૦ હજારથી વધુ રહીશોને ડીસ્કોરોડમાંથી મુકિત મળશે. પરંતુ આ નવો રસ્તો પોતાના ખેતર તરફથી નિકળે તે માટે રાજકીય આગેવાનોએ રાજકીય કારસો રચ્યાનું બહાર આવ્યું હતું. આથી ખારવા, નાના કેરાળા, રાઈ મેમકા અને વઢવાણના ખેડુતોમાં વિરોધનો વંટોળ ઉઠયો છે.
આથી રોષે ભરાયેલા ખેડુતો અને ગ્રામજનો ભાજપના ધારાસભ્યને રજુઆત માટે ધસી ગયા હતા. જેમાં વઢવાણ નગરપાલિકાના સદસ્યો વિક્રમસિંહ ડોડીયા, યુવરાજસિંહ મોરી, ગંભીરસિંહ રાઠોડ, સોલંકી દેવસીંગભાઈ દાનસંગભાઈ, વજુભાઈ રાઠોડ, ચંદ્રસિંહ મોરી અને આગેવાનોએ ધારાસભ્ય ધનજીભાઈ પટેલને રજુઆત કરી હતી. આ રજુઆતમાં જણાવ્યું કે, ખારવા ગામ પંચાયતે ઠરાવ કરીને આ રસ્તો બનાવવાની માંગણી કરી હતી. આથી મેમકા ગામના પાટીયા પાસેથી રસ્તો શરૂ કરી ખજુરીવાળી મેલડી માં રેલવે ફાટક સુધી ગાડા માર્ગ છે. આથી જુના ગાડા માર્ગ પર જ આ રસ્તો બનાવવાની લાગણી અને માંગણી વ્યકત કરી છે. આથી વઢવાણ ધારાસભ્યે રજુઆતો સાંભળી માંગણી મુજબ રસ્તો બનાવી આપવાની ખાતરી આપી છે.