- મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને પોષણમાહ ‘કાર્યશાળા’ યોજાઇ
- અન્ન પ્રાસન, બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ કીટનું વિતરણ
- વ્હાલી દીકરી યોજના, મહિલા આર્થિક સ્વાવલંબન યોજના સહિત યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ
કુપોષણ મુક્ત ભારતના ધ્યેય સાથે વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા સમગ્ર દેશમાં 7 મો પોષણ માહ ઉજવાઇ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીભાનુબેન બાબરીયાના માર્ગદર્શન તથા સંકલનમાં રાજ્યની તમામ આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ ઝોન કક્ષાની પોષણમાહ ‘કાર્યશાળા’ યોજાઇ હતી.
મંત્રી ભાનુબેન બાબરીયાએ ‘પોષણ માહ’ નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા બાળકો અને મહિલાઓને કુપોષણ મુક્ત કરવા પોષણ માહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નારી શક્તિ સશક્તિકરણ સાથે આગળ ધપાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ પોષણમાંહ થકી કુપોષણ મુક્ત બાળ અને મહિલા લક્ષ્યને સિદ્ધ કરવાના અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વ્યાપક જનજાગૃતિ, માર્ગદર્શન, લાભાર્થીઓને કીટ વિતરણ સાથે ગુજરાતના ચાર અલગ અલગ ઝોનમાં આ પ્રકારે ‘કાર્યશાળા’ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા હોવાનું મંત્રી એ જણાવ્યું હતું.
પોષણ માહ દરમિયાન બાળકોને યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તેમ જ શિક્ષણ અને તેઓના આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમો કરવામાં હાથ ધરવામાં આવે છે, કિશોરીઓ માટે પૂર્ણ શક્તિ તેમજ માતાઓ માટે માતૃશક્તિ યોજના હેઠળ પોષણયુક્ત કીટ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
મંત્રી ભાનુબેને ખાસ કરીને બાળકના યોગ્ય ઉછેર અને જતન માટે જન્મ સાથે માતાનું દૂધ મળી રહે તેમ જ પારણું અને હાલરડું એ આપણી પરંપરા જાળવી રાખવા ખાસ સૂચન કર્યું હતું. તેમજ બાળકોને પરંપરાગત રમતો રમવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. દીકરીઓને પોષણ યુક્ત આહાર અને શિક્ષણનો હક હોવાનું જણાવી આજની દીકરીઓ આવતીકાલની માતા અને સક્ષમ ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બને તેમ ખાસ વિનંતી કરી હતી.
મેયર નયનાબેન પેઢડિયાએ પ્રાસંગિક પ્રવચનમાં મહિલા અને બાળકો માટે પોષણ, આરોગ્ય અને સ્વાવલંબન અર્થે સરકાર અંતર્ગત અનેકવિધ યોજનાઓના અમલીકરણ સાથે તેમની ખેવના કરી રહી હોવાનું જણાવ્યું હતું.
સચિવ રાકેશ શંકરે મહિલા અને બાળ વિભાગની કામગીરીની રૂપરેખા પુરી પાડી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ (ટી એચ આર)નું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મહિલા આર્થિક સ્વાલંબન યોજના અંતર્ગત સબસીડી વગેરેના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીને આપવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયતના મહિલાને બાળ વિભાગના કંચનબેન, અગ્રણીઓ મનીષભાઈ રાડીયા દુર્ગાબા જાડેજા, વર્ષાબેન વરસાણી કમિશનર સચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ રાકેશ શંકર, સંયુક્ત નિયામક આઈ.સી. ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ અવંતિકાબેન દરજી, મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગૌહાણે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નિયામક કુમુદબેન યાગ્નિકની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમમાં મંત્રીશ્રી ભાનુબેન સહિત મહાનુભાવો એ વાનગી નિદર્શન, ટિએલએમ નિદર્શન, બેટી બચાવો બેટી પઢાવો, તથા મેડિકલ સેવાઓ વગેરે સ્ટોલની મુલાકાત લીધી હતી. જેમાં ઝઇંછ તથા મીલેટથી બનતી અંદાજિત 30 વાનગીઓ દ્વારા પોષણના મહત્વ વિશે, વિવિધ ટિએલએમદ્વારા 3 થી 6 વર્ષના બાળકોના માનસિક વિકાસને વધુ ઝડપી તથા સર્જનાત્મક બનાવવા હેતુસર તથા “બેટી બચાવો, બેટી પઢાવો” દ્વારા દીકરીઓના જન્મ તથા શિક્ષણનું મહત્વ સમજાવી શકાય તથા આરોગ્યના મહત્વને ઉજાગર કરવા મેડિકલ સેવાઓ પ્રદર્શિત થઈ શકે તે હેતુથી વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું. વિભાગની સાફલયા ગાથાઓ દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમના સફળ સંચાલન માટે મહિલા અને બાળ અધિકારી પ્રોગ્રામ ઓફિસર ડો. જનકસિંહ ગોહિલ, સાવિત્રીબેન નાથ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.આ પોષણમાહ કાર્યશાળામાં ઝોન કક્ષાના 11 જિલ્લાઓના પી.ઓ., સી.ડી.પી.ઓ. તથા તેમના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.