મોરબીમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ગઈ કાલે મૂળ વઢવાણની પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાની ઘટના સામે આવતા પોલીસબેડામાં ચકચાર મચી છે. યુવતીને ૧૫ દિવસ પહેલા જ નિમણૂક થઈ હોવાનું અને ટ્રેનિંગ પુરી થતા જ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
૧૫ દિવસ પહેલા જ નિમણૂક થયેલી યુવતીએ ટ્રેનિંગ પુરી થતા જ જીવન ટૂંકાવ્યું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વઢવાણ નવાદરવાજા બહાર રહેતા અને મોરબી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા તેમજ એ-ડીવિઝન પોલીસ મથકના પોલીસ લાઈનમાં રહેતા ૨૨ વર્ષના નિતુબેન નટવરભાઈ પરમાર નામની મહિલા પોલીસ કર્મીએ શુક્રવારે સવારે તેના જ ક્વાર્ટરમાં દુપટ્ટો બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. શુક્રવારે મહિલા પોલીસ જવાન ફરજ પર હાજર ન થતા અન્ય સાથી કર્મી તેને ક્વાટરે પહોંચ્યા હતા. ત્યારે નિતુબેનને ફાંસો લગાવેલી હાલતમાં જોતા તેને પોલીસ મથકમાં જાણ કરતા એ-ડિવિઝન પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ દોડી ગયા હતા.
ઘટનાની જાણ તુરંત વાયુવેગે ફરી હતી જેથી ડીવાયએસપી પઠાણ અને એસપી ઓડેદરા સહિતના પણ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બનાવ બાદ મૃતકના પરિવારને પણ જાણ કરાઈ હતી. એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. મહિલા પોલીસ કર્મીના આપઘાતનું કારણ સામે આવ્યું ન હતું. આ મહિલા કર્મી નવી ભરતી હતા અને ૧૫ દિવસ પહેલા જ ટ્રેનિંગ પૂર્ણ કરી હાજર થયા હતા તેમને હેડક્વાર્ટરમાં ફરજ સોંપાઈ હતી. પરંતુ યુવતીએ તે પહેલાં જ જીવન ટૂંકાવી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.