- 9 પીએસઆઈ પૈકી ખેડા અને અમદાવાદના બે પીએસઆઈનો પણ ઓર્ડર રદ્દ કરી દેવાયો
ગુજરાત પોલીસમાં હાલ બદલીઓનો દોર શરૂ થયો છે, તેવામાં જવલ્લેજ એવી ઘટના બનતી હોય છે કે, કોઇ પોલીસ ઇન્સપેક્ટરની બદલીનો ઓર્ડર થયો હોય અને 24 ક્લાક પણ ન થાય તે પહેલાજ તેમનો ઓર્ડર રદ્દ કરી દેવામાં આવ્યો હોય. પરંતુ ગુજરાતમાં પોલીસમાં આવી એક ઘટના બની છે. જ્યાં ગતરોજ ચાર પોલીસ ઇન્સપેક્ટરની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં હતા. જોકે આ ઓર્ડરને હજી 24 કલાક પણ નથી થયા ત્યાં તો ચાર પૈકી ત્રણ પોલીસ ઇન્સપેક્ટરના ઓર્ડર રદ્દ કરી દેવામાં આવ્યાં છે. ઉપરાંત રાજ્યના 9 જેટલાં પીએસઆઈની પણ એસએમસીમાં નિયુક્તિ કરવામાં આવી હતી જે પૈકી બે પીએસઆઈની બદલીનો ઓર્ડર પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસમાં હાલ બદલીનો ઓર્ડર રદ્દ કરાયો હોવાની વાત ખુબ ચર્ચામાં છે. ગત રોજ વડોદરા, બનાસકાંઠા અને સી.આઇ.ડી ક્રાઇમના મળીને ચાર પોલીસ ઇન્સપેક્ટરની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાં હતા. આ ઓર્ડર થતાં કેટલાક ખુશ હતા તો કેટલાક નારાજ પણ હતા. પરંતુ હજી તો આ ઓર્ડરને 24 કલાક પણ નથી થયા ત્યાં તો ચાર પૈકી ત્રણ પોલીસ ઇન્સપેક્ટરના ઓર્ડર રદ્દ કરી દેવામાં આવ્યાં છે.
જેમાં વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર એચ.એમ વ્યાસ, બનાસકાંઠાના જી,આર રબારી, બનાસકાંઠાના એસ.એમ પટણી અને સી.આઇ.ડી ક્રાઇમના એ. વાય બલોચની સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવાનો 13 જૂનના રોજ ઓર્ડર કરાયો હતો.
જોકે ઉપરોક્ત ઓર્ડરમાં ચાર પોલીસ ઇન્સપેક્ટરની સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરી દેવામાં આવી હતી. જે પૈકી ત્રણ પોલીસ ઇન્સપેક્ટર વડોદરાના એચ.એમ વ્યાસ, બનાસકાંઠાના એસ.એમ પટણી અને સી.આઇ.ડી ક્રાઇમના એ.વાય બલોચની સ્ટેટ મોનિટરીંગ સેલમાં કરાયેલી બદલીના ઓર્ડર આજરોજ રદ્દ કરી દેવામાં આવ્યાં છે.
આ ઓર્ડર રદ્દ થયા પાછળ પોલીસ બેડામાં એક એવી ચર્ચા છે કે, 13મી જૂને સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી કરવામાં આવેલા ચાર પોલીસ ઇન્સપેક્ટર પૈકીના જે ત્રણની બદલીનો આજે ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે, તેમાં બે પોલીસ અધિકારી એચ.એમ વ્યાસ અને એ.વાય બલોચ એવા છે, જે વડોદરાને ખુબ સારી રીતે જાણે છે અને તેઓ મહત્વની જગ્યાએ ફરજ બજાવી અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ચુંક્યાં છે. જેથી બદલીના ઓર્ડર થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની રજૂઆતને ધ્યાને રાખી તેમના ઓર્ડર રદ્દ કરી તેમને ફરી તેમના હાલના ફરજના સ્થળે રાખવામાં આવ્યાં છે.
આ ઉપરાંત 9 જેટલાં પીએસઆઈની પણ એસએમસીમાં નિમણુંક કરવામાં આવી હતી. જે પૈકી ખેડાના પીએસઆઈ આર જી ચૌધરી અને અમદાવાદ શહેરના પીએસઆઈ એ કે પઠાણની પણ બદલી લનો ઓર્ડર રદ્દ કરી નાખવામાં આવતા અનેક તર્ક–વિતર્ક ઉદભવ્યા છે.