ડો. પાંડેને ગૃહ વિભાગના આંતર રાજય પરિષદ નિર્દેશકની જવાબદારી મળી: તેમની જગ્યાએ અમદાવાદ કલેકટર તરીકે કે.નિરાલા મુકાયા
રાજકોટના તત્કાલીન કલેકટર અને અમદાવાદનાં હાલનાં કલેકટર ડો. વિક્રાંત પાંડેની કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર નિમણુંક થઇ છે. તેઓને ગૃહ વિભાગના આંતરરાજય પરિષદના નિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની બદલીથી ખાલી થયેલી અમદાવાદ કલેકટરની જગ્યાએ સરકાર દ્વારા કે. નિરાલાને મુકવામાં આવ્યા છે.
ડો.વિક્રાંત પાંડેની કેન્દ્ર સરકારનાં ગૃહ વિભાગમાં પાંચ વર્ષ માટે પસંદગી કરવામાં આવી છે. તેમને ૩ અઠવાડીયામાં હાજર થવાનો આદેશ કરાયો છે. ડો. વિક્રાંત પાંડે રાજસ્થાનનાં વતની છે અને તેઓ એમબીબીએસની ડીગ્રી ધરાવે છે. તેઓ ર૦૦પની બેંચના આઇએએસ અધિકારી છે. ૯ મે ૨૦૧૬ થી તેઓને રાજકોટ કલેકટર તરીકે મુકવામાં આવ્યા હતા. રાજકોટમાં તેઓએ પોતાના મિલનસાર સ્વભાવ અને ધડાધડ પ્રજાલક્ષી નિર્ણયો લેવાની કુશળતાથી એક આગવી ઓળખ બનાવી હતી.
ડાઉન ટુ અર્થ રહીને હંમેશા અરજદારોનાં નાનામાં નાના પ્રશ્ને પણ ઘ્યાને લઇને સંપૂર્ણ નિષ્ઠાથી કામગીરી કરી ડો. વિક્રાંત પાંડેએ રાજકોટ જીલ્લામાં ખુબ લોકચાહના મેળવી હતી.
રાજકોટથી તેઓની અમદાવાદ કલેકટર તરીકે બદલી કરવામાં આવી હતી. હાલ અમદાવાદથી તેઓને કેન્દ્રમાં મુકાતા તેમની જગ્યાએ અમદાવાદ કલેકટર તરીકે કે.નિરાલાને મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કે.નિરાલા રાજકોટના પૂર્વ કલેકટર મનીષા ચંદ્રાના પતિ છે.