ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ કોર્પોરેટ અફેર્સની ઓનલાઈન પ્રશ્નોતરીના જવાબ આપીને પ્રથમ પ્રયાસે જ પાત્રતા ધરાવી જ્વલંત સફળતા મેળવી
પ્રો.વસુબેન ત્રિવેદી કે જેઓ હાલ જીએસીએલ કંપનીમાં ઈન્ડિપેન્ડન્ટ ડિરેકટર તરીકે કાર્યરત છે. તેમણે કેન્દ્ર સરકારના મીનીસ્ટરી ઓફ કોર્પોરેટ અફેર્સ અંતર્ગત આઈઆઈસીએ દ્વારા ઈન્ડિપેન્ડન્ટ ડિરેકટર ડેટા બેંક માટે પ્રથમ પ્રયાસે જ પાત્રતા ધરાવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. જે બદલ સમાજના અનેકવિધ ક્ષેત્રના તજજ્ઞોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ૩૦મી મે ના રોજ તેમના આ નોમિનેશનની જાહેરાત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રો.વસુબેન ત્રિવેદી જુન ૧૯૭૫માં જામનગરની ભવંત એ.કે.દોશી મહિલા કોલેજમાં વ્યાખ્યાતા તરીકે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી. શૈક્ષણિક પાયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિ.માં ડીન, સેનેટ, સિન્ડીકેટ વગેરેમાં વિવિધ ક્ષેત્રે સેવા આપેલ છે. માન્ય સંસ્થા મહિલા કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂકયા છે. શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી રહેવાની સાથે સામાજિક, રાજકીય ક્ષેત્રે પણ તેમણે સફળ કામગીરીની શરૂઆત કરી હતી.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને ગુજરાત ટુરીઝમના ચેરપર્સન તરીકે તેમણે નોંધનીય કાર્ય કર્યું છે. ૨૦૦૨ થી ૨૦૧૭ સુધી એટલે કે, ૧૫ વર્ષ સુધી તેઓએ સતત ત્રણ ટર્મ સુધી તેમણે જામનગર ધારાસભાની સીટ ઉપર જીત મેળવી અને આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકારમાં ઉચ્ચ અને ટેકનીકલ એજ્યુકેશન તેમજ મહિલા તથા બાળ કલ્યાણ વિભાગના સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ નોંધનીય કામગીરી કરી છે.
આઈઆઈસીએ દ્વારા લેવાયેલ ઈન્ડિપેન્ડન્ટ ડાયરેકટરની કેન્દ્રીય ડેટા બેંકની પાત્રતામાં સફળતા મેળવી તેઓએ એક સક્ષમ શિક્ષણ શાસ્ત્રી તેમજ શિક્ષીત રાજનીતિજ્ઞ તરીકે સિદ્ધી હાંસલ કરી છે. તેમણે આ સિદ્ધી બદલ શુભેચ્છકો, વિદ્યાર્થીઓ તથા બહોળો મિત્ર વર્ગ અભિનંદન પાઠવી ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. ગુજરાતના એક સશક્ત વિદ્વાન અને અપ્રતિમ મહિલા રાજનીતિજ્ઞ તરીકે પ્રો.વસુબેન ત્રિવેદીનું નામ સમાજ જીવનમાં અત્યંત ગૌરવવંતુ છે અને જે એક ઉત્તમ પ્રેરણા સ્ત્રોત છે.