મેયર ડો.પ્રદિપ ડવ સહિતના પાંચેય વર્તમાન પદાધિકારીઓની મુદ્ત 12મી સપ્ટેમ્બરે પૂર્ણ: બીજી ટર્મ મેયર પદ મહિલા માટે અનામત
રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યૂટી મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના મુખ્ય પાંચેય પદાધિકારીઓની મુદ્ત આગામી 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થયા બાદ તુરંત નવા પદાધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પદાધિકારીઓની નિમણુંક માટે બોર્ડ-બેઠક બોલાવવામાં આવશે. મેયર પદ માટે હવે પછીની અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત હોય શહેરના પ્રથમ નાગરિક તરીકે હવે મહિલા નગરસેવિકાની વરણી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ-2021માં યોજાઇ હતી. 12 માર્ચના રોજ મેયર ડો.પ્રદિપ ડવ સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે નિમણુંક કરવામાં આવી હતી. જો કે, તે સમયે ડે.મેયર તરીકે નિયુક્ત કરાયેલા ડો.દર્શિતાબેન શાહ ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતા તેઓએ ડે.મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓના સ્થાને વોર્ડ નં.16ના કોર્પોરેશન કંચનબેન સિધ્ધપુરાની ડે.મેયર તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. કોર્પોરેશનના મુખ્ય પાંચેય પદાધિકારીઓ માત્ર હવે 40 દિવસના મહેમાન છે. સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થયા બાદ તુરંત પદાધિકારીઓની નિમણુંક માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. બીજા શબ્દમાં કહીએ તો સાતમ-આઠમના મેળાનું ઉદ્ઘાટન વર્તમાન પદાધિકારીઓ કરશે. જ્યારે ગણેશ મહોત્સવની આરતી નવા મેયર સહિતના પદાધિકારીઓ ઉતારશે.
હવે પછીની મેયરની અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત હોય હાલ ત્રણ થી ચાર નામોની ચર્ચા થઇ રહી છે. શહેર ભાજપ પ્રમુખ પદે વણીક સમાજમાંથી આવતા મુકેશ દોશીને બેસાડવામાં આવ્યા હોય મેયર પદ ભાજપ દ્વારા જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી પાટીદાર સમાજને આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. મેયર પદ માટે હાલ ભારતીબેન પરસાણા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો.દર્શનાબેન પંડ્યા અને નયનાબેન પેઢડીયાના નામો ચર્ચાઇ રહ્યા છે.
મેયર પદ મહિલા માટે અનામત હોય આવામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કોઇ મજબૂત નેતાની નિમણુંક કરવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે. મનિષ રાડીયા, દેવાંગ માંકડ, કેતન પટેલ, જયમીન ઠાકર અને અશ્ર્વિન પાંભરના નામ ખડી સમિતિના ચેરમેન પદ માટે ચર્ચામાં છે. જ્યારે ડેપ્યૂટી મેયર તરીકે કંચનબેન સિધ્ધપુરાને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા પણ જણાઇ રહી છે.
વર્તમાન પદાધિકારીઓની મુદ્ત આગામી 40 દિવસમાં પૂર્ણ થઇ રહી હોય કોર્પોરેશનની લોબીમાં નવા પદાધિકારીઓની વરણીને લઇને ચર્ચાઓ શરૂ થવા લાગી છે. આવતા સપ્તાહે શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરી દેવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ ભાજપની સૂચના મુજબ મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વરણી માટેનો ધમધમાટ પણ શહેર ભાજપ દ્વારા શરૂ કરવામાં આવશે. પ્રદેશની સૂચના મુજબ તમામ પાંચેય પદ માટે ત્રણ-ત્રણ અથવા ચાર-ચાર નામની પેનલ બનાવવામાં આવશે અને આ પેનલ પ્રદેશમાં મોકલવામાં આવશે.
સપ્ટેમ્બર માસમાં રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાના મેયરની મુદ્ત પૂર્ણ થઇ રહી હોય તમામની વરણી કરવા તમામના પદાધિકારીઓ ફાઇનલ કરવા માટે સાતમ-આઠમ બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ટૂંકમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્ણ થતાની સાથે જ નવી નિયુક્તી કરી દેવામાં આવશે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની હોય તમામ 6 મહાનગરપાલિકામાં જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તી કરવામાં આવશે.