સેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહના બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી દ્વારા તેમને સોંપાઈ વિશેષ જવાબદારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સ્થિત સેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહને ત્રણ વર્ષના સમયગાળા માટે દેશની ગુણવત્તા માટેની સર્વોચ્ચ સંસ્થા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના 1997માં થઈ હતી. કાઉન્સિલ ઓફ કાઉન્સિલની સ્થાપના વિવિધ પ્રતિષ્ઠિત વ્યાપારી વિભાગો જેમ કે સીસીઆઈ, એફ આઈસીસીઆઈ અને એસોકેમ દ્વારા કેબિનેટ નોંધ મારફત સંયુક્ત રીતે કરવામાં આવી હતી. જક્ષય શાહના બહોળા અનુભવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી દ્વારા તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના માધ્યમથી મહત્વની ભૂમિકા ભજવશે.
શાહે 1996માં ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહમાંના એક સેવી ગ્રુપની સ્થાપના કરી અને ભારતમાં ખાનગી રિયલ એસ્ટેટ ડેવલપર્સની સર્વોચ્ચ સંસ્થા ક્રેડાઈના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું. આ ઉપરાંત તેઓ એસોચેમ વેસ્ટર્ન રિજન ડેવલપમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ અને ફાર્મસી એક્સિલરેટર પ્રોગ્રામમાં ક્ધસલ્ટન્ટ તરીકે સેવા આપે છે, જે 1 લાખથી વધુ લોકોને દવા અને આરોગ્યસંભાળ પૂરી પાડે છે.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ આદિલ જૈનુલભાઈએ જણાવ્યું હતું કે હું ચેરમેન તરીકેનો મારો કાર્યકાળ પૂરો કરી રહ્યો છું ત્યારે છેલ્લા 8 વર્ષથી આ સંસ્થા દ્વારા દેશની સેવા કરવા બદલ હું ગર્વ અને ગૌરવ અનુભવું છું. હું જક્ષય શાહને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વ હેઠળ, સંસ્થા ભારતીય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવાના તેના મિશન પર ચાલુ રહેશે.
નોંધનીય છે કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ શિક્ષણ, આરોગ્ય સંભાળ, ખોરાક, સ્વચ્છતા, ભૂગર્ભજળ વ્યવસ્થાપન અને કોલસા જેવા કુદરતી સંસાધનોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે સરકારને વિવિધ ફ્લેગશિપ યોજનાઓ પર સહાય કરવા માટે તેની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ, ઉભરતી તકનીકો અને ગતિશીલ કાર્યબળને જોડ્યા છે.
- કાઉન્સિલ દેશમાં તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત ક્રાંતિ લાવવા કામ કરશે : જક્ષય શાહ
- 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવામાં ક્યુસીઆઈ મહત્વની ભૂમિકા ભજવશે
જક્ષય શાહે કહ્યું, મને ભારતના સામર્થ્યમાં ઘણો વિશ્વાસ છે અને મને વિશ્વાસ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ તરીકે બનાવવાના પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. જો આપણે 8%ની જીડીપી વૃદ્ધિ ચાલુ રાખીએ, તો ભારત 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. જક્ષય શાહે વધુમાં કહ્યું કે ’મેડ ઈન ઈન્ડિયા’નું સ્વપ્ન દરેક વસ્તુની ગુણવત્તા અને વિશ્વસનીયતાના આધારસ્તંભ પર સિદ્ધ થશે. કાઉન્સિલ દેશમાં તમામ ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત ક્રાંતિ લાવવા માટે કામ કરશે. ગુણવત્તાની સતત શોધ રહેશે. અમે બધાને એ હકીકત વિશે શિક્ષિત કરીશું કે ગુણવત્તા બ્રાન્ડ બનાવે છે. ક્યુસીઆઈ સચિવાલયમાં 1,000 થી વધુ લોકો છે અને અમે તમામ નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.