રાજ્યમાં પ્રથમવાર સતત ત્રીજી વખત કુલપતિ પદ મેળવતા અર્જુનસિંહ
રાણા: બે વખત પીએચ.ડી.ની ડિગ્રી મેળવનારા ડો.અર્જુનસિંહ રાણા છેલ્લા 25 વર્ષથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત
ભારતની ક્રિકેટ ટીમના ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને સ્વ.એમ.જે.કુંડલિયા ઇંગ્લિશ મીડિયમ મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.અર્જુનસિંહ રાણાની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ત્રીજીવાર નિમણૂક કરવામાં આવી છે. તેઓ કુલ બે ટર્મ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીમાં ખુબ જ શ્રેષ્ટ કામગીરી કરી હવે ત્રીજી વખત પણ એક વર્ષ માટે કુલપતિ તરીકે નિમણુંક પામેલા છે.
માસ્ટર ઇન ફિઝિકલ એજ્યુકેશનમાં ગોલ્ડમેડલ મેળવનારા ગુજરાતના પ્રથમ સ્ટુડન્ટ તથા બે વખત પીએચ.ડી.ની ડિગ્રી મેળવનારા ડો.અર્જુનસિંહ રાણા છેલ્લા 25 વર્ષથી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત છે.
ડો.અર્જુનસિંહ રાણા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની રણજી ટ્રોફી ફર્સ્ટક્લાસ ટીમમાં ફિઝિયો ટ્રેનર તરીકે છેલ્લા 20 વર્ષથી કાર્યરત હતા અને હાલ ટીમના મેનેજર તરીકે કાર્યરત રહ્યા છે. ભૂતકાળમાં ડો.રાણા ભારતીય ટીમના ફિઝિયોથેરાપિસ્ટ અને ટ્રેનર તરીકે, આઇસીસી ટી-20 વર્લ્ડ કપના મેનેજર તરીકે, 1996 અમેરિકામાં યોજાયેલી ઓલિમ્પિક્સમાં યંગ સ્પોર્ટસ સાયન્ટિસ્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેમજ હાલમાં રાજકોટ કેળવણી મંડળ સંચાલિત સદ્દગુરુદેવ રણછોડદાસ બાપુ મહિલા હોમ સાયન્સ, સ્વ.એમ.જે.કુંડલિયા ઇંગ્લિશ મીડિયમ મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે પણ કાર્યરત છે.