પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજીંગ ડિરેકટર તરીકે ગાંધીનગરના એડિશનલ કલેકટર ધિમંતકુમાર વ્યાસની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે ધિમંતકુમાર વ્યાસે ગઈકાલે સતાવાર રીતે પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટર તરીકેનો ચાર્જ સાંભળ્યો હતો. આ તકે પીજીવીસીએલના કર્મચારીઓએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગાંધીનગરના એડિશનલ કલેક્ટર વ્યાસની નિમણૂક થતાં તેમણે ગઇકાલે બપોરપછી વીજ કંપનીનો કાર્યભાર સંભાળી લીધો છે.તેઓ વીજ કંપનીના 17માં મેનેજિંગ ડિરેક્ટર બન્યા છે અને આજે તમામ ઇજનેરો સાથે બેઠક કરી વાવાઝોડાની બાદ બાકીની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા પણ કરનારા છે.
કાર્યભાર સાંભળતાની સાથે જ તેમણે સર્વપ્રથમ ‘અબતક’ મીડિયા સાથે ખાસ વાતચીત કરી તેમનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે મુખ્યત્વે વાવાઝોડાથી થયેલી નુકસાની અને ખાનાખરાબીને કારણે વીજ પુરવઠામાં પડેલી ખલેલને તાત્કાલિક ધોરણે પૂર્વવ્રત કરવા કટિબદ્ધતા દાખવી હતી. ઉપરાંત કચ્છ સહિતના જિલ્લાઓમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ, સોલર એનર્જી સહિતની કામગીરીઓનું પ્લાનિંગ કરી હાથ પર લેવાનું પણ જણાવ્યું હતું.
રાજ્ય સરકારના આદેશ મુજબ આજથી મેં પીજીવીસીએલનો કાર્યભાર સાંભળ્યો છે. તાઉતે વાવાઝોડાથી સર્જાયેલી તારાજી બાદ ઘણી કામગીરી થઈ છે અને હવે જે બાકી રહેલી કામગીરી છે તેને ઝડપથી પૂર્ણ કરવાનો લક્ષ્ય છે. લોકોની જરૂરિયાતને પહોંચી વળીએ તે મુખ્ય લક્ષ્યાંક છે. પીજીવીસીએલની કાર્યદક્ષતા અને ઓપરેશનને સારી રીતે મેનેજ કરી શકાય તેવો અમારો પ્રયત્ન રહેશે. આગામી સમયમાં જે જરૂરિયાત છે, તેને પહોંચી વળવા પ્રયાસો રહેશે અને સૌરાષ્ટ્ર-કચ્છની જનતાની વીજને લગતી રહેલી મુશ્કેલીઓ દૂર કરવાનો નીર્ધાર છે.
વાવાઝોડાને કારણે વીજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જે નુકસાની સર્જાઈ તેના અનુસંધાને અનેક કામગીરીઓ કરી લેવામાં આવી છે. જ્યાં નવા પોલ, ટ્રાન્સફોર્મર કે અન્ય ત્રુટીઓ સર્જાઈ હતી તેમાંથી ઘણું કામ કરી લેવાયું છે અને બાકીનું કામ હવે ટૂંક સમયમાં પૂર્ણ કરીને વીજપુરવઠો પૂર્વવ્રત કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
બિનપરંપરાગત સોર્સ વિકસાવવાની સરકારની નીતિ રહી છે. સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને ટાઇડલ એનર્જીનો લાભ જનતાને મળે તે માટે સરકાર આયોજનો કરી રહી છે. સોલાર એનર્જી અંગે સરકારની જે નીતિ છે અને જે મુજબ આયોજનો કરવામાં આવ્યા છે તે મુજબ કામગીરી હાથ ધરીને લોકોને લાભ આપવાનું કામ શરૂ કરવામાં આવશે.