કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદે વોર્ડ નં.11ના નગરસેવિકા લીલુબેન જાદવ પર પસંદગીનો કળશ ઢોળતું શહેર ભાજપ
રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે વોર્ડ નં.10ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ચેતનભાઇ સુરેજાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યૂટી મેયર કંચનબેન સિધ્ધપુરાના સ્થાને મહાપાલિકાની કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન તરીકે વોર્ડ નં.11ના નગરસેવિકા લીલુબેન જાદવની નિયુક્તિ કરવામાં આવી હતી. જનરલ બોર્ડમાં અધ્યક્ષસ્થાનેથી અરજન્ટ બિઝનેશ દરખાસ્ત મૂકી બંને નિયુક્તિને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
આજે જનરલ બોર્ડની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ પ્રદેશ ભાજપમાંથી આવેલા બે નામોની ઘોષણા કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિ અર્થાત્ સેનેટ સભ્ય તરીકે વોર્ડ નં.10ના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ચેતનભાઇ સુરેજાની નિમણૂંક કરવામાં આવી હતી. કાયદો અને સમિતિના ચેરમેન કંચનબેન સિધ્ધપુરાની તાજેતરમાં ડેપ્યૂટી મેયર તરીકે વરણી કરવામાં આવતા તેઓએ સમિતિ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.
ખાલી પડેલી કાયદો અને વ્યવસ્થાની સમિતિના ચેરમેન પદે વોર્ડ નં.11ના નગરસેવિકા લીલુબેન જાદવની પસંદગી કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવામાં આવેલી બે અરજન્ટ બિઝનેશ દરખાસ્તમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચેતનભાઇ સુરેજાની અને કાયદો અને વ્યવસ્થાની સમિતિના સભ્ય તરીકે લીલુબેન જાદવની વરણી કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત નગરસેવકોએ બહાલી આપી હતી. આ ઉપરાંત એજન્ડામાં રજૂ કરાયેલી 10 પૈકી એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે.
જ્યારે અન્ય 9 દરખાસ્તોને બહાલી મળી હતી. કોઠારિયા વિસ્તારમાં બે ટીપી સ્કિમ બનાવવાનો ઇરાદો પણ જાહેર કરવામાં આવ્યો હતો. અધ્યક્ષસ્થાનેથી બે શોક ઠરાવ પણ રજૂ કરાયા હતા. પૂર્વ મંત્રી ડો.સુશીલાબેન શેઠ અને પૂર્વ કોર્પોરેટર છગનભાઇ શિયાણીનું નિધન થતાં તેઓને સામાન્ય સભામાં શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી.