જૂનાગઢના કોંગી ધારાસભ્યનો પણ સમાવેશ ન કરાયો
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના માર્ગદર્શન હેઠળ શહેરમાં કોમી એકતા અને શાંતિ અને ભાઈચારાના માહોલને બહાલ રાખવા માટે બનાવવામાં આવેલી શહેર એકતા સમિતિમાં જુનાગઢના કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યને મૂકી બહારના ધારાસભ્યને સ્થાન આપવાની સાથે તમામ સભ્યો અને પ્રતિનિધિઓ ભાજપના હોદ્દેદારો તથા પક્ષ સાથે સંકળાયેલી વ્યક્તિઓને જ સ્થાન આપવામાં આવતા ભારે વિરોધ ઉઠયો છે.
જૂનાગઢમાં સરકારની ગાઇડ લાઇન મુજબ એકતા સમિતિની નિમણૂક કરવામાં આવી છે, આ સમિતિમાં જૂનાગઢ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, જૂનાગઢ મનપાના કમિશનર સહિતના અધિકારીઓની સાથે ૧૨ જેટલા શહેરના બિનસરકારી વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ મનપાના મેયર હોદ્દાની રૂએ અધ્યક્ષ છે, જ્યારે અન્ય લેવાયેલા સભ્યમાં ભાજપના શહેર પ્રમુખ સહિત મોટાભાગના સભ્યો જૂનાગઢ મનપાના કોર્પોરેટર તથા ભાજપના હોદ્દેદારો અથવા ભાજપ સાથે સંકળાયેલા લોકો હોવાથી તથા જૂનાગઢના સ્થાનિક ધારાસભ્યને મૂકીને કેશોદના ભાજપના ધારાસભ્યને આ કમિટીમાં સ્થાન આપવાથી જૂનાગઢમાં આ વિષયે ભારે ચર્ચા થઈ રહી છે અને માત્ર આ સમિતિમાં ભગવાકરણ જ કરવામાં આવ્યો હોવાનો સૂર ઉઠવા પામ્યો છે
જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો લોક સેવક છું, સમિતિમાં મને સામેલ કરવનાના બદલે કેશોદના ભાજપના ધારાસભ્યોને એકતા સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે સરકારની રાગ-દ્વેષ ભરી નીતિ સ્પષ્ટ બની છે, હું તો સમિતિમાં હોવ કે નહીં મારી લોકસેવા અને એકતા જાળવવાનું કામ જારી રહેશે, તેમ દુખ સાથે જણાવી આ સમિતિને ભગવા સમિતિ બનાવાઈ હોવાનું જણાવ્યું છે.
જુનાગઢ કોર્પોરેશનના વિપક્ષી નેતા અદ્રેમાન ભાઈ પંજાએ પોતાનો વિરોધ સુરત પ્રગટ કરતાં જણાવ્યું હતું કે છે કે એકતા સમિતિમાં જૂનાગઢના મેયર હોદ્દાની રૂએ અધ્યક્ષ છે તે બરોબર છે પરંતુ તેમની સાથે આ સમિતિમાં અનેક ભાજપના કોર્પોરેટર ને લેવામાં આવ્યા છે અને વિરોધ પક્ષના નેતા સહિત કોઈ પણ વિરોધ પક્ષના કોર્પોરેટરોને લેવામાં આવ્યા નથી તે યોગ્ય ગણાય ને આ સાથે આ એકતા સમિતિ માં લઘુમતી સમાજના અનેક અગ્રણીઓ છે તેમને પણ સ્થાન આપવું જોઇએ પરંતુ સરકાર અને તંત્ર દ્વારા માત્ર ભાજપના જ સભ્યોની આ એકતા સમિતિ બની છે જે યોગ્ય ગણાય નહીં શહેર કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલે આ સમિતિનું ભગવાકરણ થયું હોવાનું જણાવી દરેક જાતિ અને તમામ પક્ષના લોકોને આ સમિતિમાં સામેલ કરવા જોઇએ તેમ વિરોધ સાથે જણાવ્યું હતું. તો એનસીપીના શહેર પ્રમુખ અને પૂર્વ નગરપતિ રણમાલભાઈ સિસોદિયાએ જણાવ્યું હતું કે આવી કમિટી ન ચાલે, તમામ વર્ગના અને રાજકીય પક્ષોના સભ્યોને સામેલ કરવા જોઇએ, આ બનેલી એકતા સમિતિમાં તો માત્ર ભાજપના જ લોકોની બનાવાઈ છે, એનો અર્થ શું ? એવો પ્રશ્ન પણ કર્યો હતો.
આ સમિતિની રચના સામે સીપીએમના નેતા બટુકભાઈ મકવાણાએ વિરોધ કરી આ સમિતિમાં જ્યારે એકતા સાધવાનો હેતુ રહેલો છે ત્યારે તમામ ધર્મ, વર્ગ અને પક્ષના સભ્યોને સ્થાન મળવું જોઈએ અત્યારે તો આ આ સમિતિ ભાજપની સમિતિ હોય તેવો ભાવ ઊભો થયો છે, તેવું જણાવી વિરોધ વ્યક્ત કર્યો છે.
જૂનાગઢના રાજકીય, સામાજિક અને મુસ્લિમ અગ્રણી રજાકભાઈ મહિલાએ જણાવ્યું હતું કે, તમામ વર્ગ, ધર્મ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સમાન ધોરણે સ્થાન આપવું જોઈએ જૂનાગઢમાં રચવામાં આવેલી શહેર એકતા સમિતિમાં તમામ સભ્યો ભાજપના કાર્યકરો અને ભાજપ સાથે સંલગ્ન હોવાથી આ સમિતિની રચના અને સંપૂર્ણપણે પક્ષપાતના ધોરણે કરવામાં આવી હોવાનો સૂર વ્યક્ત કર્યો છે.